આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગરમાગરમ રોટલીઓ જમી કરીને દાંત ખોતરતા ખોતરતા અને ઓડકાર ખાતા ખાતા બોલતા હતા કે "તમારેય વઢવું પડ્યું ના એ બેવકૂફને ! માળો પલીત છે, પલીત ! પડખે એવડો ભાઈ ઊભો હોય તો કેવું જોર રહે કાંડામાં ! - પણ આ પલીતની અક્કલનો કાંઇ વિશ્વાસ રખાય છે ?"

એવું બોલતા બોલતા જેઠજી દીવાનખાનામાં પગ મૂકે ત્યાં તો 'સાહેબજી!' એવું સંબોધન કાને પડતાં ચમકી ઊઠ્યા. બાજુએ જોયું તો વિજયચંદ્રનું નખશિખ ઠાવકું, ફૂટડું, સ્વચ્છ, સ્ફૂર્તિમય, એક લટ અસ્તવ્યસ્ત નહીં, એવું રૂપ નિહાળ્યું.

"સારી એવી વાર થઇ. આપ આજ કાંઇક વિશેષ રુચિથી જમ્યા લાગો છો !"

"હા, આજે મને ઠીક વાર લાગી." પોતે જમતો જમતો ને જમી રહ્યો તે પછી નાના ભાઇની પત્નીને સંભળાવવા જે શબ્દો બોલતો તેનો શ્રોતા કદાચ વિજયચંદ્ર બન્યો હશે, એવું કલ્પવું બેશક અનિવાર્ય હતું, ને અતિશય લજ્જાસ્પદ હતું.

"ઠીક થયું. આપ વખતસર આવી પહોંચ્યા."

"અરે, કાલે પહોંચવું'તું પણ મોટરનો અકસ્માત થયો. લાચાર બની ગયો. તમારો કેસ ચાલી ગયો ને ?"

"ના જી, આજની જ મુદ્ત પડી છે. આપને તેડવા જ આવેલ છું."

"પણ આમાં હું શી રીતે તમને બચાવી શકીશ ?" શેઠની આંખો ઊંચી ચડી ગઇ.

"શું કહું. મારે આપની પાસે એક શબ્દ ખોટો બોલાવવો નથી, તરકટ કરાવવું નથી. ફક્ત આપ બોલો એટલી જ વાર છે."

"શું બોલું ?"

"કે સુશીલાબે'ન સાથે આપે મારું હિંદુ વિધિસર વેવિશાળ કરાવી આપેલ છે, ને આપની મદદથી તો મારે વિલાયત ભણવા જવાનું હતું."

ચંપક શેઠે વાતને ઉડાવવા ફાંફા માર્યાં : "પણ મારા સાહેબ ! તમે તે