આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાંઇ રાજા છો? કોર્ટને તે અક્કલ હોય કે નહીં ? મને પૂછે કે તમે આબરૂદાર માણસે ઊઠીને આવું ઉતાવળિયું ને ખાનગી જેવું વેવિશાળ શા માટે કરી નાખ્યું !"

"તો આપણી પાસે જવાબ હાજર છે," વિજયચંદ્ર ઠંડીગાર વકીલની તટસ્થતા ધરીને બોલ્યો : "જૂનું વેવિશાળ અમુક કારણસર તોડવું પડેલું. એ કારણો ગુપ્ત હતાં, સામા પક્ષને નુકસાન પહોંચાડે તેવાં હતાં. એટલે એ સામા પક્ષની ફજેતી ટાળવા માટે અમારે તેવું સગપણ છૂપું કરી લેવું પડ્યું, નહીંતર ન્યાતમાં પંચાતિયા નિરર્થક હોહો કરી ઊઠે. આ તો બધું જ હું વકીલને પૂછી કરીને આવેલ છું - આપ ન ગભરાવ !"

બળેલી દીવાસળી લઇને દાંત ખોતરતે ખોતરતે મોટા શેઠે ફરી પાછું મૌન પાળ્યું.

"હું આપની એકેએક મૂંઝવણનો માર્ગ વિચારીને આવેલ છું," એમ કહી વિજયચંદ્રે સામા માણસને ગાળી નાખે તેવા ગદ્ગદ્પણાની મીંડ પોતાના કંઠમાંથી ખેંચતે ખેંચતે કહ્યું : "આજે હું આપને છ મહિના પહેલાં મળ્યો તેવા ઉજ્જવળ મોંએ મળવા નથી આવ્યો. આજે હું વિજયનો નહીં, પૂર્ણિમાનો નહીં, પણ પરાજયનો - અમાસનો ચંદ્ર છું. મારા જીવનમાં મેં જબ્બર ઠોકર ખાધી છે. મારો પગ ભૂલમાં પડી ગયો છે. મારે આપની પુત્રીનું અકલ્યાણ કરવું નથી. એની વેરે લગ્ન કરવાનો અધિકાર લઇને તો હું થોડો જ આપની સમક્ષ આવેલો છું ! હું એ નિર્દોષના જીવનમાં આંગળીચીંધણું રહે તેવું કરવા ઇચ્છું નહીં. આજે તો આપની મદદથી મારો ઉગાર જ શોધું છું. સામા પક્ષની મોટી આબરૂને કારણે આ મુકદ્‌માની તપાસ જજની ચેમ્બરના બંધ બારણે જ થવાની છે. આપની આબરૂ સલામત છે. કહો તો હું આપને લખી આપું કે મારે આપની કન્યા ન જોઇએ. આપ કહેતા હો તો જેવું સર્ટિફિકેટ સુખલાલને માટે દાક્તરે લખી આપ્યું છે, તેવું હું આપને સ્વહસ્તાક્ષરે જ લખીને અત્યારથી આપી દઉં. ને કદાચ જાહેરની માન્યતા મારું