આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એણે સમાચાર મેળવ્યા કે પોતાના જૂના ઓળખીત એકાવાળા વલી ઘાંચી, કુરજી ઠક્કર લુવાણો, ગફૂર ઠક્કર ખોજો, મનકો કોળી વગેરે બધાય મરી ખૂટ્યા છે.

"બીજું તો ઠીક, પણ કુરજી ને ગફૂર માળા ડોળી તલાવડીએ રોટલા કાઢીને લીલી ડુંગળી કરડાવતા કરડાવતા ખાતા ને, તયેં મને મોંમાં શુંનું શું થઇ જાતું - પણ મારાં ભાભીની શરમ બહુ આવતી. ઘેર જાઉંને ડુંગળી ગંધાય તો ભાભી બોલે નહીં, પણ માયલી કોરથી એનું કાળજું કપાય, હો ! ભાઇના સોગંદ."

એકાવાળો જુવાન હતો એટલે એને આ અસલી જમાનાની વાતો કે ડુંગળી ખાતાં ભોજાઇની શરમ પાળનાર આ લડધા માણસમાં કશો રસ નહોતો.

"ઓત્તારીની ! હીપાપાટ તો ભરી છે ને શું ?" એમ કહેતે નાના શેઠે પોતાના ગામની સીમમાં વહેતી નદીનો તાજાં વર્ષાજળે છલકતો અને આછરી ચૂકેલો મોટો ધરો જોયો. જોતાં જ એને કોઇ વળગાડ થયો હોવાની શંકા આવે તેવી હર્ષઘેલઠા એણે બતાવવા માંડી.

એકાવાળાને ભાડું ચુકાવી ત્યાંથી જ પાછો રવાના કર્યો. પોતે પોતાની જૂની બહેનપણી હીપાપાટ પર નાહવા ઊતર્યો. નાનપણમાં અંદર પડીને નાહનાર એ બાપડાને વહેમ આવ્યો કે પોતે કદાચ તે દિવસની, તરવાની કળા વીસરી ગયો હશે તો ! એટલે કાંઠે બેસીને નાહી એણે ધોતિયા, ટુવાલ ને કુડતા સાથે ગામ ભણી ચાલવા માંડ્યું.

મનમાં મનમાં બબડતો હતો કે "કોક દેખે તોય એમ સમજે કે ગામમાં તો કેદુનો આવ્યો હઇશ ! ને ભાભી અને સુશીલાના મનમાં પણ હું અણધાર્યો આવી પડ્યો છું એવો ધ્રાસકો નહીં પડે - ખડકીમાં પેસીને દોરીએ ધોતિયું-ટુવાલ સૂકવતો જ હું સાદ પાડીશ કે 'કાં ભાભી, હવે રોટલાને કેટલી વાર છે?' ને સુશીલાને તો જૂના વખતમાં 'એલી ! સંતોકડી, એય ઢેફલી !' એમ કરીને બોલાવતો તે મુજબ જ આજે જઇને હાક મારીશ : 'એલી સંતોકડી ! એ રાં... ઢેફલી !'