આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાભીને ખિન્ન હૃદયે ખબર આપ્યા : "મુંબઈથી નીકળી ચૂક્યાનો તાર આવી ગયો છે તે પણ બીડ્યો છે. એટલે હવે તો ચોક્કસ જ સમજવું."

"અચોક્કસ આપને ક્યાં સમજ્યાં'તાં, ભાઈ ? ઉતરાવી લ્યો બધો માલ."

"તિથિ પણ મે'તાએ જોવરાવી મોકલી છે. પરમ દીની જ તિથિ છે."

કાગળ વાંચીને વાંચીને ભાભીને સમાચાર સંભળાવતા નાના શેઠની સામે સુખલાલ શૂન્ય આંખે તાકી રહ્યો છે. એના મનમાં અનુમાન બંધાતું નથી. આવનાર એ બે જાણમાં બીજો કોણ ? કયો નવો મુરતિયો મળી ગયો ? વિજયચંદ્રને તો હવે આ લોકો થોડા અડશે ? કોણ હશે બીજો સુભાગી ?

ત્યાં જ નાના ભાઈએ કાગળ વાંચીને બધું ખબર દીધા :

"વિજયચંદ્રને ખાદીનો આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈથી લેતા આવે છે - બે'નને માટે પણ તૈયાર....અં -અં -અં..."

"હં -હં." ભાભુએ એ બધા સમાચારને પૂર્ણવિરામ મૂકીને પછી પાછું સુખલાલ તરફ ફરીને કહ્યું :

"જાણે જુઓ, માડી ! વેશવાળ કહો કે વિવા કહો. એ કાંઈ એક પુરૂષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય ? કન્યા વરે છે ને પરણે છે - સાસરિયાંના આખા ઘરને, કુળને, કુળદેવને; અરે માડી, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરૂષ પણ પરણે છે, કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાના ભાંડરડાને, કન્યાના સગાંવહાલાંને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય."

સુખલાલ કાંઈ જવાબ આપે તે પૂર્વે તો ભાભુએ ઊમેર્યું કે "પુરૂષનો બાપ કાલોઘેલો હોય તોય કન્યા એની અદબ કરે ને રોટલો ટીપી ખવરાવે. સ્ત્રીનો બાપ અણકમાઉ ને રાખડી પડ્યો હોય તો જમાઈ એને ખંઘોલે બેસારીને સંસારના વન પાર કરાવે - ખરું ને, ભાઈ ? ન જાળવે તો ક્યાં મૂકી આવે ? અનાથોના આશ્રમમાં?"