આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કદરૂપ લાગતો હતો, પણ આજે બે જ ફૂટના અંતરે ઊભાં ઊભાં એણે સૂતેલું નિર્મળ નમણું મોં પણ જોયું, ને પછી જાગતા મોંના સ્વર સાભળ્યા. સ્વચ્છ એક વાકય પણ સુખલાલ બોલી શકતો નથી ને એ તો બેવકૂફ ગાંડા ગમાર જેવો છે વગેરે વાતો એ ઘરમાં રોજ સાંભળતી હતી. એ વાતો સાચી શી રીતે હોઇ શકે?

"તમારે સૂવું હોય તો સૂઇ જજો. મારે તમારું કાંઇ કામ નહોતું." એટલું બોલીને એ જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી થઇ રહી. એને જાણે કે રોકવા માટે પાછલા ખંડમાંથી સુખલાલે જવાબ વાળ્યોઃ

"ના, હું તો સહેજ છાતીમાં દુખાવો થતો હતો એટલે જ સૂતો હતો. કામ તો મેં મારા ભાગનું કરી લીધું છે."

સુખલાલના આ પ્રત્યુત્તરની પાછળ સતત સળગતું ભાન હતું કે સગપણ ન તૂટે તેટલા ખાતર થઇને પોતે તૂટી મરીને પણ પોતાની માણસાઈ પુરવાર કરી દેવાની છે.

"તમે દૂબળા દેખાઓ છો." સુશીલા હજુય બાજુના ખંડમાં ઊભી ઊભી નખમાં મોઢું જોતી જોતી પૂછતી હતી. સુખલાલને આશા આવી કે એ સુશીલા હોય.ખાતરી થતાં એ જલદી જલદી બોલી ઊઠ્યોઃ

"દૂબળો તો હું જરાય નથી. મારી બાએ તમને બહુ સંભારેલ છે."

"બાને કેમ છે?" ઓરડામાં ઊભેલી સુશીલાએ થોડીક વાર થંભી જઇને પછી સામો સવાલ કર્યો, ત્યારે સુખલાલના ઊડી ગયેલા પ્રાણ પાછા આવ્યા. કેમકે ‘મારી બાએ તમને બહુ યાદ કર્યાં છે' એ સમાચારના જવાબમાં સુશીલાનું જરી જેટલું મૌન પણ દારૂગોળે ભરાતી તોપ જેવું લાગે એ સ્વાભાવિક હતું. થોડીવાર થંભવાનો સુખલાલનો વારો આવ્યો. પોતે 'મારી બા' એવો પ્રયોગ કર્યો છતાં આ કન્યા 'બાને કેમ છે?' એવું બોલી. બે વચ્ચે હિંદુ સમાજની રચનાએ મોટું અગોચર અને માર્મિક અંતર મૂકેલું છે. 'બાને કેમ છે?' એ પ્રશ્નમાં કોઇ અણશીખવ્યો આત્મભાવી વિનય હતો.