આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કાંઈ નહીં થાય, ભાઈ ! હિંમત રાખો. આપણે ચોર નથી, લૂંટારા નથી, અનીતિનાં કરનારાં નથી. બીક કોની છે ?"

"રાજની ખટપટો ઊભી થાશે તો ?"

"ના રે ના. રાજવાળા ત બચાડા જીવ શી ખટપટ કરવાના હતા ? દીકરી પુખ્ત ઉંમરની છે, એને પોતાનાં વરઘર પસંદ કરવાનો હક છે, ને તમે દીકરીના બાપા છો. તેમ સુખલાલને થોડા કોઈ પચાસ વરસના ઠેરવવાના છે ?"

"બીજું કોઈ તૂત ઊભું કરે ને, ભાભી !" નાના શેઠ કહેવા પાછળ ઊંડો ઊંડો ગર્ભિતાર્થ હતો. સુખલાલ પારખી ગયો; એના પૌરુષહીનત્વની બનાવટી કથા.

"ગમે તે તૂત, કરે કે કરે, તમે દીકરીના બાપ છો, ને દીકરી લાયક ઉંમરની છે," એટલું કહેનારાં ભાભુ પણ આ મર્મ સમજતાં હતાં.

થોડીવાર સુધી કોઈ બોલ્યું નહીં. સુશીલાના પિતાને ચટપટી ચાલી હતી. એના અંતરમાં ધાસ્તીના ફફડાટ હતા. એને તો ભાઈના આવ્યા પહેલાં પતાવી લેવું હતું. આ ભાભી ક્યાં લઇ જાય છે ? ક્યા ભયાનક પ્રદેશમાં ? કઈ વિકટ વાટે ? કેમ ટક્કર ઝીલશે ? પણ ભાભી પોતેય ભેગી છે. ભાભીની તૈયારી કારમી છે. ભાભી મારે એક પડખે, ને સુશીલા મારે બીજે પડખે : મારી મોખરે સુખલાલ : મને કોની બીક છે ? મનની ઝાડીમાં ઘૂમકાટ કરતા ભયના સત્વોને ભાભીની ઓથે રહીને વટાવતો આ ગભરુ પિતા જાણે એક અગ્નિ-ખાઈ ઓળંગી ગયો.

"માટે જાવ, ભાઈ સુખલાલ દીપચંદ મામાને માળો. એનો મત મેળવો, મનની ગાંઠ વાળીને નિર્ણય જણાવો. ને પાછા આવવાનો મત બંધાય તો કાલ સવારે પહોંચી જજો. બની શકે તો એક ગાડું લેતા આવજો. પાછા ન આવવું હોય તોય તમે મોકળા છો, હો ભાઈ !"

પછી ફરી વાર જયારે સુખલાલ ઘોડી પર ચડ્યો ત્યારે એના કપાળમાં 'ભાભુ'ના હાથનો ચોડેલો અક્ષતકંકુનો ચાંદલો હતો, ને મોમાં ગોળની એક કાંકરી આસ્તે આસ્તે ઓગળી રહી હતી.