આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાંકનું રતન-" કહેતે કહેતે એનો સ્વર ચિરાવા લાગ્યો- "એને સંભાળજો, શેઠ, મોં ફાડો - ખાતરી આપો!"

"સુશીલા તો મારી દીકરી જ રે'શે, ને તમે મારા માના જણ્યા રે'શો," એમ કહીને દીપા શેઠે બટકું ખાધું.

કોણ જાણે ક્યા જુગાન્તરોથી ભૂતલનાં પડોમાં અટવાતો અટવાતો, બહાર નીકળવાનો માર્ગ શોધતો જળપ્રવાહ નાના શેઠની જડ બુદ્ધિનાં ને બે અક્કલનાં પડો ભેદી મથાળે આવ્યો, એણે દીપા શેઠને ચરણે બે હાથ જોડી નમન કર્યું :

"જે માનો તે આ છે. વાગ્દાન નથી, આ તો કન્યાદાન છે, શેઠ! મારું હૈયું હવે હિંમત નહીં હારે, મારાં ભાભી મારી ભેરે છે!"

"હું ભેરે છું ને દીપા મામા ભેરે છે, ભાઈ આટલા બધા ફફડો છો શીદને?"

"ઘેલીબે'ન! સુશીલાને એક વાર મારી નજરે કરશો!" દીપા શેઠ કહ્યું.

"બહાર આવ, ગગી!"

સુશીલા બહાર આવીને પીઠ ફેરવી ઊભી રહી.

"એમ નહીં, મારી સામે જો દીકરી!"

સુશીલા ખચકાઈ : ગ્રામ્ય સસરો આ શું માગી રહ્યો છે!

"કહું છું કે મારી સામે જો બેટા! ભલે હું ગામડિયો રહ્યો, પણ તું હજી તો કન્યા છો. મોં જોવાજોગ છો. મારે તારાં દર્શન કરવાં છે, જોગમાયા ! આમ જો !"

સુશીલા સન્મુખ ઊભી રહી. દીપા શેઠે બે હાથ લાંબા કરીને આશિષ દેતે કહ્યું : "મને આશિષ આપ, બેટા, કે હું અસલ જાત જ રહું. તેલની ઊકળતી કડા સામેય કદી કજાત ન બની જાઊં : મનથી એટલી દુવા દે મને, દીકરી. ને મારો વશવાસ રાખજે."

એમ કહીને એણે ધબ-ધબ-ધબ પોતાની છાતી પર પંજો પછાડ્યો. એની છાતી પહોળાતી દેખાઈ. એનો પંજો યુદ્ધના નગારા પર દાંડી પડે તેમ પડ્યો. જાણે છાતી પર રણજોદ્ધાના બખ્તરની સાંકળી ઝણઝણી.