આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા ઘરડાંને પુન્યે ને તમ જેવાં સગાંની આશિષે સારું ચાલે છે. તબિયત તો હવે લથડી ગઇ, પણ મન ભારી સમતામાં રહ્યું છે. કોઇ જાતની વળગણ નહીં, કોઇ વલોપાત ન મળે; છોકરાંઓ સાથે હસીને જ વાત કરે, ને જ્યારે પીડા સહેવાય નહીં ત્યારે મને ફક્ત 'ચત્તારી મંગળમ્'[૧] સંભળાવવાનુ કહે. "

સુશીલાને ગમ પડીઃ આ મહેમાન થોરવાડથી આવેલા સુખલાલના પિતા જ લાગે છે. ઘાણાં વર્ષો પહેલાં, દસેક વર્ષની હતી ત્યારે જોયેલા તેની અણસાર યાદદાસ્તમાં અંકાવા લાગી.

કોની વાત ચાલતી હતી? સુખલાલની બીમાર માતાની. સુશીલાની કલ્પનાની દુનિયા સળવળી ઊઠીઃ એક ગામડિયું ઘર છે, એના ઓરડામાં એક સ્ત્રી, દવાને નહીં અડકનારી, દાકતરી સારવાર વગરની, ધર્મના માંગલ્ય પાઠને પોતાની અસહ્ય વેદનાનું ઔષધ કરી શાતા મેળવી રહી છે.

"રાંધવે-ચીંધવે બહુ દુઃખી થતા હશો." મોટાં શેઠાણી ત્યાં ઊભાં ઊભાં વધુ રસ લેવા લાગ્યાં.

"ના બાપા, બહુ તો વપત નથી રહી," પરોણાએ સ્વાભાવિક અવાજે જ જવાબ દીધો, "દીકરી બાર વરસની થઈ ગઈ, ને નાનેરો દીકરો સાત વરસનો - બેય મળીને રાંધી નાખે છે. પાંચ મહેમાનોનેય સાચવી લે છે છોકરાં."

જમતાં જમતાં ચાલેલા આ વાર્તાલાપમાં મોટા શેઠે લેશમાત્ર ભાગ લીધો નહીં. એણે તો વારાંવાર ઠરી જતા શાકનો વાટકો એકાદ-બે વાર પછાડીને ગરમ શાક માગ્યા કર્યું. એમને મરીનો ભૂકો જોઇતો હતો ત્યારે કહ્યુંઃ "રામો ક્યાં મરી ગયો?"

વાળુ કર્યા પછી પરોણાને સુખલાલ પાસે ઇસ્પિતાલે સૂવા જવું હતું. દીકરાની માંદગીના ઊડતા ખબર સાંભળી દોડી આવેલો આ પિતા સુશીલાના ચાલી આવ્યા પછી દવાખાને સુખલાલને જોઇ આવેલો, પણ


  1. 'ચત્તારી મંગળમ્' એ જૈન ધર્મનું માંગલ્ય-સ્તોત્ર છે.