આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'આપણા જમાઈ' એવો ભાભુનો બોલ ભાવથી ભરેલો હતો. સુશીલાએ એ શબ્દ સાંભાળતાંની ઘડીએ જ બિછાનામાં ચત્તા ને ચત્તા સૂતેલા ક્ષીણકાય સુખલાલની નમણી આકૃતિ કલ્પી, બપોરે દીઠેલાં આંસુ કલ્પ્યાં - અને આંસુ લૂછતી નર્સ લીના કલ્પી.

અણે ભાભુને કહ્યું : "ત્યાં ઇસ્પિતાલમાં સૂવાવાળાઓને તો એકલું ગાદલું જ આપતા હશે ને ? ચાદર કાંઈ આપે?"

"ના રે બેટા; ચાદર કોણ આપે? ને ગાદલાંય સેંકડો માણસના સૂયેલાં હોય !"

"ત્યારે ચાદર ને બાલોશિયું મોકલું, ભાભુ!"

"મોકલ મોકલ, મારી દીકરી; પણ છાનીમાની હો! જોજે, તારી બા જાણી ન જાય ! નીકર એને બચાડા જીવને આ બધું નહીં ગમે, ને કોચવાશે તો એનાથી ઊંચે સાદે બોલાઈ જશે. તો ક્યાંક તારા મોટા બાપુજી જાગી જશે. એય બચાડા જીવ સમતા નહીં રાખી શકે, કોચવાઈ જશે."

સારાંનરસાં સર્વ કોઈને 'બચાડાં જીવ' સમજનારાં ભદ્રિક ભાભુ સમતાનું મૂંગું આરાધન કરતાં માળા ફેરવતાં રહ્યાં, ત્યાં તો સુશીલાએ સસરાજીને માટે ધોબીની ધોયેલ સાફ ચાદર તથા એક નવા ગલેફવાળું ઓશીકું તૈયાર કર્યું. સવારને પહોર દાતણ જોશે એ યાદ આવતાં એકના સાટાનાં બે લીલાં દાતણ છડીમાંથી કાપીને મૂક્યાં. કદાચ ગામડાના માણસને દાંતે છીંકણી દેવાની આદત હશે એમ ધારીને ભાભુને છાનીમાની કાનમાં પૂછી આવી: "તમારી ડાબલી મોકલું?"

જવાબ જડ્યો : "મોકલ, મારી દીકરી; ભલું સાંભર્યું!" મને સાંભરે છે, વેવાઈ, બચાડા જીવ દાંતે બાજર દેતા'તા; સાત વરસ મોર્ય અમે એના બાપને કારજે ગયા'તા તે દી મેં જોયું'તું. પણ હેં દીકરી, તને આ બધું કેવું યાદ આવ્યું? જો, મારી જસતની ડાબલી મોકલજે - પતરાની નહીં, હો કે માડી ! બચાડા જીવ આપણે માટે શું ધારે?"

આ તમામ સરંજામ સુશીલાએ ઘાટીની સાથે મોટર પર મોકલાવ્યો,