આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

9

બિછાનાની સમસ્યા

ભાભુ પણ પોતાની વાતને પકડી શકતાં નથી, એ જોઇ સુશીલા ચિડાતી હતી. ઓરડામાં અંધારું હતું: અજવાળામાં કદાચ સુશીલાએ કદાચ ભાભુ પર ખીજ કાઢવાની હિંમત ન બતાવી હોત.

વિસ્મયની વાત છે - અથવા જરાય વિસ્મય પામવા જેવું છે જ શું? - કે સુશીલા એક ઘા ને બે કટકા જેવું સહેલામાં સહેલું વાક્ય ન કહી શકી કે 'ભાભુ, મને આ વર અને આ ઘર સોએ સો ટકા ગમે છે. તમે મને બીજે પરણાવશો તો હું દુઃખી થઇ જઇશ. મને આનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધાં શીદને મારા મનની વાત સમજ્યા વગર મને સુધરેલાની સાથે પરણાવવા આફત આદરી છે?'

સુશીલા જેવી સમજણી અને મુંબઈનું ઠીક ઠીક હિંમતભર્યું વાતાવરણ પી ચૂકેલી છોકરી આટલી બધી ગેરસમજણનો આવો તડ ને ફડ ઉકેલ ન લાવી શકે? એ પ્રશ્ન, લાકડાનાં તોતિંગ બીમને પણ કરકોલી શકનારો ભમરો પોતાને રાત્રીભર બંદીવાન બનાવનારા સુરજમુખી પુષ્પની સુંવાળી પાંદડીઓને શા માટે ભેદી ન શકે? સુશીલાએ નવી યુગભાવનાવાળાં નાટકો-ચિત્રપટોમાં કોઇ કોઇ વાર 'હા હા, હું તો આને જ પરણીશ' અથવા 'ના, ના, મારે તો આની સાથે નથી પરણવું' એવી જાહેર ઘોષણાઓ કરતી બંડખોર છોકરીઓ જોઇ હતી. સુશીલાને એના મોટા બાપુ તાલીમ આપતા તો સુશીલા એ શબ્દો ઠેરવાયેલા સમયે, ઠેરવેલી વ્યક્તિ કે સમષ્ટિ સામે કડકડાટ બોલી જાત એમાં શંકા નથી. એ બોલવાને સારુ હિંમત અથવા અંતરની લાગણીનો વિકાસ બિલકુલ બીનજરૂરી બનત. એથી ઊલટું, અંતરની બળબળતી લાગણી તો એ ગોખાવેલ બોલોના પાંખામાં પાંખા પરદાની પાછળ જ પોતાના ભડકા ફૂંકતી ઊભી હોત.