આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તાળાની ચાવી તો હું મારી પાસે લઇને જ સૂઉં છું. તમે તમારે કોઇ વાતે ફફડતાં નહી, હું રાતના બે વાર તો સુશીલાને જોઇતપાસી પણ જાઉં છું." દેરાણીએ પોતાની ખબરદારી વર્ણવી.

ભાભુના મનમાં આ સાંભળીને હસવું આવતું હતું. એણે ટૂંકો જ જવાબ વાળ્યો: "તમેય બચ્ચાડા જીવ કેવા ઉતપાતિયાં છો? બીક વળી શેની હોય? આ તો તમારા જેઠને બહુ હવા જોવે, ને મારાથી ઉઘાડી બારીનો પવન સેંવાતો નથી - મારા સાંધા દુખે છે, એટલે જ વચલા ખંડમાં સૂવાનું રાખ્યુ છે. બીક તો વળી શેની? અરેરે, બચાડા જીવ તમેય તે..."

ચપળ સુશીલાના કાન કઇ વાતો ક્યારે એકાએક પકડી પાડતા, તે સમજવા માટે પુરુષો વધુ પડતા જડ હોય છે. તે તો સ્ત્રીઓ જ સમજી શકે. કેમ કે ઘણી ખરી સ્ત્રીઓ પોતાની કૌમાર્યવયની રાત્રીઓ પર આવાં તાળાં મરાતાં જોયાં હોય છે. તે રાત્રીએ એણે ઝટ દ ઇને આવીને પોતાની બાને કહ્યુ: "લ્યો બા, તાળું મારી લાવું ઓસરીને?"

બા જરીક ઝંખવાઇ ગઇ અને જવાબમાં બોલીઃ "ભાભુ કહે તો જ વાસજે તાળું, બે'ન!"

સુશીલાના પિતાએ આ નવો ફેરફાર બેચાર દિવસે જાણ્યો. ને જાણ્યો ત્યારે એટલો બધો શરમિંદો બન્યો કે એક અથવા બીજે બહાને એ તો બહારની ગેલેરીમાં મોડી રાત સુધી એકલો જ બેસી રહેલો. પત્નીએ એને બે-ત્રણ વાર અંદર ખેંચી જવા મહેનત કરી.

"હાલો ને, હવે! ભાભી મોટેરાં આંહીં બેઠાં છે, એટલે આપણને વળી શેની શરમ? હાલો ને, મને એકલાં ઊંઘ નથી આવતી. ભાભી તો વેરાગમાં ઊતરી ગયાં છે; મને કાંઇ વેરાગ નથી થયો. દીકરી કાંઇ એકલા આપણા ઘરમાં જ થોડી મોટી થઇ છે! ઘેર ઘેર થાતી આવે છે. હાલો, હાલો. ઠાલા સતની પૂંછડી શીદને થાવ છો?" એમ કહેતી સુશીલાનાં બા પતિનું ખમીસ ખેંચીને પરસાળમાંથી ઓરડામાં ઘસડી ગઇ હતી.