આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને પછી બાએ એવાં 'સવતંતર' દંપતીઓનાં નામ પણ ગણાવ્યાં: "ઓલી જેતપુરવાળી વનિતા,ઓલી પીપલગવાળાની કુમુદ, હાલરિયાવાળાં રામકોર બાઇની છોકરી ઓલી જયા... એય જો ને રૂપાળાં અમનચમન કરે છે! દશ બજ્યામાં ભાયડાને જમાડીજૂઠાડી નોકરીએ વળાવી દીધા પછી, છે કોઇનો ટુંકારોય ખમવાપણું? છે કોઇ કરતાં કોઇ એટલુંય કહેનાર કે બાઈ, તું આંઈથી ઊઠી આંઈ બેસ! એવું 'સવતંતર' મેલીને જાડેરણમાં પડવાની શી જરૂર? છે કોઇની ઓશિયાળ? આ તો અણસમજમાં ને અણસમજમાં સગપણ થઇ ગયું, મુંબઇમાં ઠરી ઠામ થયાં ત્યારે આંખ ઊઘડી કે આ તો ભૂલ થઇ છે."

બાના આ શબ્દો બાથરૂમમાં ઊભાં ઊભાં સાંભળવાની સુશીલાને મજા પડી. બાએ જેનાં જેનાં નામો લીધાં તે જુવાન સ્ત્રીઓને સુશીલા ઓળખતી હતી; ઘણી વાર તેમાંની એકાદને ઘેર પોતે બેસવા જતી, તો કાં તાળું જ મરેલું હોય, અથવા ઘેર હાજર હોય તો અરધા કલાકથી વધુ ચાલી શકે તેટલી વાતચીત જ સિલકમાં નીકળે નહીં. હદમાં હદ એક કલાકે તો ત્યાંથી ઊઠી આવવાનું જ મન થાય.

તે બધીઓ 'સવતંતર' હતી એમ બા કહેતી, પણ કેટલીક વાર તેઓનાં ઘરમાં બબે દિવસનાં એઠાં વાસણોનો ખડકલો સુશીલાએ જોયો હતો. પૂછતાં સુશીલાને જવાબ મળતો કે "હોળીના તહેવાર છે, તે ત્રણ દીથી મારા રોયા ઘાટી જ નથી આવ્યા. રોયા ગાંડાતૂર બનીને નાચતા હશે. હાથે ઊટકે તો મારી બલારાત! બહાર લૉજમાં જઇને અમે તો બેય જણાં જમી આવીએ છીએ."

આવી 'સવતંતર' બહેનપણીઓ વિશે હજુ સુશીલાના વિચારો સ્થિર નહોતા થયા, પણ કશુંક જાણે અળખામણું તત્ત્વ એમાં લાગ્યા કરતું.

"હાય! હાય! જુઓતો ખરાં, ભાભીજી!" સુશીલાની બાએ સુશીલાને સ્નાન કરીને બીજા ઓરડામાં જતી નિહાળી 'ભાભુ' પ્રત્યે મીઠો હાયકારો કર્યો: "આ છોકરીના શરીરમાં જાણે કિરણ્યું જ ફૂટી પડી