આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હાલ્યને બેટા! કાંઈ વાંધો નહી. તું તારે એકકોર ઊભી રે'જે ને? ક્યાં કોઇ કરડી ખાય છે?" એમ કહેતાંભાભુએ સુશીલાને સાથે લીધી.

થરથર ધ્રૂજતા પગે સુશીલા બારણાંની અંદર જોઇ રહી. વિચિત્ર દૃશ્ય દીઠું. વચ્ચેની મેટ્રનની ખુરશી પર નર્સ લીના બેઠી છે, ને ચાર પાંચ નર્સો, બે મહેતરાણી, ત્રણ વોર્ડ બૉય વગેરે બધાં લીનાને વીંટળાઇ વળીને ઠઠ્ઠા કરે છે.

એક પછી એક મહેણાની ઝડી પડતી હતીઃ

"એઈ જો, લીના બાબાનું મોઢું પડ્યું."

"જો, હમણાં બાબા રડી પડશે."

"બલા જાણે, ક્યાંનો પેશન્ટ ને ક્યાંની તું? એવા તો હજાર આવે ને હજાર જાય. રડવા શેની બેઠી છો? તો પછી પરણીને છોકરાં સંભાળવા'તાં ને?

"હવે મરો ને આંહીંયાંથી બધાં?" કરતી લીના પગ પછડવા લાગી, "હું કહું છું કે મને કાંઈ નથી."

"ત્યારે તે ખાલી બિછાના સામે શું તાકી રહી છે?"

"ત્યારે શું આંખો ફોડી નાખું?"

"ત્યારે ડૉકટરને છેલ્લા આઠ દિવસથી શા માટે છેતરતી'તી? તારો પેશન્ટ તો રાતો રાણ જેવો થઇ ગયેલો છતાં કેમ તાવની ટેમ્પરેચરના અને પલ્સના ધબકારાના લાલવાદળી લીંટાનાં ખોટેખોટાં ડુંગર અને ખીણો ચીતરતી હતી ચાર્ટમા?"

"ખોટા! જાવને હવે, ખોટા!" લીનાના મોં પરની રેખાઓ ખેંચાતી હતી. એની રડવાની તૈયારી હતી.

"એનું સરનામું લઇ લીધું કે?"

"મારી ભૂખરાત લે છે!"

લીના એ અપેલો જવાબ જૂઠો હતો. વસ્તુતઃ સુખલાલ પાસે એણે લાંબું લાંબું સરનામું લખવા મહેનત કરેલી, પણ સુખલાલ પૂરું