આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંગ્રેજી ન જાણે. લીનાને થોરવાડ, પીપળલગ વગેરેના સ્પેલિંગ ન આવડે. એટલે અરધો કલાક સુધી કરેલી માથાફોડ પડતી મૂકેલી.

આ તમાશો જોતી સુશીલા અંદર ગઇને એણે એ ટોળાને પૂછ્યું:

"આ પેશન્ટ ક્યાં?'

"એની જ આંહીં લાગી પડી છે, મે'રબાન!" એક મહેતરાણી બોલી.

"ક્યાં ગયા?" સુશીલાએ મહેતરાણીને પૂછ્યું.

"ઉસકી તો છૂટી હો ગઇ," સુરતી મહેતરાણીએ હિંદીમાં હાંક્યું. સુશીલાનો શ્વાસ અરધો હેઠો બેઠો.

સુશીલાને ઓળખી પાડનારી લીના એકા એક ઊભી થઇ. તે જ વખતે એક બીજી નર્સ હાઉસ-સર્જનની ઑફિસમાંથી તાળીઓ પાડતી ને નાચતી આવી બૂમ પાડી ઊઠીઃ

"લીના, લીના, તારા ખાલી પડેલા બિછાના પર એક બીજો વહાલો લાગે એવો 'સ્માર્ટી' આવે છે. આંહીં આવ, ઑફિસમાં બેઠેલો બતાવું."

"ક્યાં છે, ક્યાં છે?" કરતી લીના સિવાયની બીજી બધી નર્સ ઑફિસ તરફ લટાર મારી મારીને મોં આડા રૂમાલો દેતી પાછી આવી, છાની છાની હસતી તેઓ પરસ્પર કહેતી કેઃ"પુઅર પુઅર લીના, ભયંકર બુઢ્ઢા મારવાડી પેશન્ટ આવે છે એ બિછાના પર!"

"અત્યારથી બાપડીને કોઇ બિવરાવો ના."

"પેલો છોકરો ગયો એથી તેને અત્યંત વસમું શા માટે લાગ્યું છે?"

"તમને ખબર છે? લીના વિધવા છે. દેખાય છે પચીસ વર્ષની પણ પાંત્રીશ-ચાલીશની વય છે. એનો એક પંદર વર્ષનો છોકરો બે વર્ષ પર ગુજરી ગયો છે, તેથી કોઇ મા વગરનો કિશોર આંહીં આવે છે ત્યારે લીના હંમેશાં એવી જ પ્રેમઘેલી અને એ જાય ત્યારે એવી જ વ્યાકુળ બને છે."