આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"નહી?" લીના ચકિત બની. "તમારા સિવાય તો આંહીં આટલા દિવસોમાં બીજું કોઇ મળવા જ નથી આવ્યું ને?"

"એના પિતાએ કંઈ જ ન કહ્યું, કે ક્યાં જઇએ છીએ?"

"ના, એણે કહેલું કે, મેમસા'બ, એક વાર પાછો આંહીં જરૂર આવી જઇશ."

"શા માટે"

"વાત એવી બની કે રિવાજ મુજબ એને ઑફિસમાં કોઈએ કહ્યું કે કાંઇક દવાખાનાની ધર્માદા-પેટીમાં નાખવું હોય તો નાખજો. એણે મને છાનુંમાનું કહ્યું કે, મેમસા'બ મારી પાસે અત્યારે કાંઈ જ નથી, પણ હું પાછો આવીને જરૂરથી નાખી જઇશ. એમ કહી, શરમના માર્યા છાનામાના ચાલ્યા ગયા લાગે છે. શરમ શાની? આંહીં તો લક્ષાધિપતિઓ પણ આ ધર્માદા ક્લાસમાં આવીને રહે છે, અને એક પાવલી પણ આ મે'તરાણીઓને આપ્યા વગર ચાલ્યા જાય છે! ને આ તો બાપડા, મે'તરાણીઓ ને વૉર્ડ બૉય આવીને ઊભાં રહ્યાં ત્યારે સૂનમૂન ઊંધું ઘાલીને પોતાનો સામાન બાંધતાં બાંધતાં અપરાધી ચહેરો રાખી ચાલ્યા. પુઅર ઑલ્ડ ફાધર! મને કહે કે, મેમસા'બ આ લોકોને કશુંક આપવા હું આવીશ હો. પછી મેં તો આ મે'તરાણીઓ ને વૉર્ડ બૉયની ધૂળ કાઢી નાખી, અને એ તો મેં જ લાવીને એમને ચાર-ચાર આના આપી દીધા."

સુશીલાનાં ભાભુ થોડે દૂર ઊભાં ઊભાં શાંત ભાવે આ નર્સના શબ્દ-સપાટા સાંભળી રહ્યાં હતાં. એને તો સાંભળતાં સાંભળતાં જ એવું લાગતું હતું કે જાણે કોઇ વટથી ઊંચા નટ-દોર ઉપર રૂમઝૂમ પગલે નાચી રહી છે. એમણે ધીરે ધીરે પોતાના ગજવામાંથી પાંચ રૂપિયા કાઢ્યા અને કહ્યું:

"સુશીલા, આ લે તો."

"યે કૌન હૈ?" લીનાએ પૂછ્યું.

"મારી મા છે."

"ઓહ, ટુ હેવ સચ એ બ્યુટીફૂલ મધર! વ્હૉટ એ ગોલ્ડન લક!