આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાટા કરી નાખીશ - કહી દ‌ઉં છું ભાઈ, બીજું તમે પાલવે તેમ કરો."

એક પછી એક સૌને વિદાય દીધી. પોતે સુખલાલને પંખો નાખવા બેઠો. સુખલાલ જંપ્યો પછી એણે કહ્યું :"હાલો ફુઆ, દરિયે આંટો દઈ આવીએ. આંહી બે જણાને બેસારું છું. ફિકર નથી."

બહાર લઈ જઈ મરીનલાઇનના દરિયાકાંઠે સૌ પહેલું તો ચંપીવાળો બોલાવી દુઆને શરીરે ચંપી કરાવી દીધી. પોતાની સગી પત્ની પાસે પણ શરીર ન દબાવનાર આ ગ્રામ્ય આદમી શરૂમાં તો ખૂબ શરમાયો. પણ ખુશાલે કહ્યું : "ફુઆ, ચોપાટીના વેળુમાં હાલો દેખાડું. મુંબઈ કોઈની સગી નથી થાતી. આંહીંની હવા તો માણસને ચુડેલની જેમ માલીપાથી શોષે છે. તૂટતા સાંધાવાળો આદમી ચાર પૈસે પાછો ટટ્ટાર થઈને કામે લાગે છે. નીકર મરે ભૂખે, ફુઆ, હાડકચર તો આંહી હાલતાં ને ચાલતાં થ‌ઈ આવે. ઓલ્યા બચારા વનેચંદ અદા, આંહીં હતા તે ઓરડી વાસીને પોતે પોતાના જ પગ કચરતા. આ મુંબઈ તો મસાણાના મામલાછે, ફુઆ !"

પછી ફુઆને 'બૅકબે'ની દિવાલ પર બેસારીને વાત સાંકળવી શરૂ કરી: "સુખલાલને એને સાસરે ઠીક ન પડતું હોય તો મારા કામમાં ભલે ને રે'તો."

"દેશમાં જ લઈ જવો છે. પણ એણે જીદ લીધી છે, કે જીવીશ તો આંહીં, ને મરીશ તોય આંહી. આંહીંનું એને પાણી લાગેલ છે."

"પાણી લાગેલ છે ! હેં - હેં - હેં !" ખુશાલચંદ હસી પડ્યો, "પાણી નથી લાગતું, ફુઆ, ચિંતાની ચુડેલું લાગેલ છે. અને ફુઆ, સાસરામાં માણસ પોતાની મૂંઝવનો કહી ન શકે - ભલે ને પછી સાસરિયામાં ગમે તેટલી સાચવણ રાખતાં હોય." ઠાવકા સ્વરે ખુશાલે કહ્યું.

"સાચવણ તો રાખે જ છે. ખાનદાન ખોરડું છે. પણ ભાઈ ખુશાલ, માળું મને કોણ જાણે કેમ આ બધું મેળ બહાર જાતું લાગે છે."

"શેનો મેળ?"

"મેળ એટલે આપણો ને વેવાઈનો : એનો ચડતો દી, આપણો