આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાભુઃ થોડા દા'ડા એમને દેશનાં હવાપાણીમાં તેડી જાવ તો નહીં સારું?

સસરા : "હું તો એને પગે પડું છું, પણ એ નથી માનતો. કહે છે કે મરવાનું હશે તોય મુંબઈમાં જ મરીશ: જીવવા સારુ દેશ નથી જોવો.

ભાભુ : મરે શા સારુ બચાડા જીવ? સો વરસના થાય ની ! આ તો એમ કે મુંબઈનાં હવાપાણી મોળાં ખરાં ને!

સસરાઃ એને તો એક જ ધૂન લાગી પડી છે કે, હું મુંબઈમાં રળી બતાડીશ; હું ન રળી શક્યો એવી નામોશી લઇને દેશમાં મોં નહીં દેખાડું. હવે જુવોને ઈ મોટો નામોશીવાળો થયો છે, બે'ન! કોણ એને નામોશી દેવા બેઠું છે-હે-હે-હે-

એવા બોલને સુખલાલના પિતા પોતાના મોકળા હાસ્યમાં ઘૂંટતા હતા, તે જ વખતે બંગલી પરથી મોટા બાપુજી અને વિજયચંદ્ર નીચે ઊતર્યા. મોટા શેઠની પાછળ પાછળ સીડીનાં પગથિયાં ઊતરતા વિજયચંદ્રે ઊંચેથી જ ખંડમાં સુશીલાને લપાઈ ઊભેલી નિહાળી. નિહાળતાં જ એની કોકટી રંગની ટોપી એણે સિફતથી માથા પરથી ઊપાડી લઇ પેલો રેશમી રૂમાલ ગજવામાંથી બહાર ખેંચ્યો ને લાલ લલાટ લૂછીને જાણે કે સુશીલાને માટે એના તકદીરની આરસી તૈયાર કરી.

જ્યારે જ્યારે વિજયચંદ્ર આવતો ત્યારે એકાદ-બે વાર તો એને નિહાળી લેવાનો નિયમ રાખતી સુશીલા, તે દિવસના પ્રભાતે આ નિયમ તોડીને સડેડાટ બીજા ખંડમાં ચાલી ગઇ. એણે પછવાડે ભૂલભૂલથી પણ નજર ન નાખી. વિજયચંદ્રને આ વર્તન સ્વાભાવિક જ લાગ્યું. શરમિંદા બનવાનો સમય જાણે કે આવી પહોંચ્યો. લજજાની કળીઓ ફૂટવાની વસંત બેઠી. સામે ન મંડાતી મીટ જ્યારે ઝીણાં જાળિયાં, અધ-ઊઘાડાં બારણાને કમાડની તરડો ગોતવા લાગી પડે છે એવી એક ઋતુ જાણે બેસી ગઇ. ક્યાંકથી પણ ચોક્કસ એ મને જોતી હશે. ક્યાંથી ! ક્યાંથી ! ક્યાંથી ! વિજયચંદ્રે ઓરડામાંથી પરસાળ સુધી પહોચવામાં બની શકે તેટલી વાર લગાડી. ખૂણાખાંચરામાં આંખોને દોટાદોટ કઢાવી, પણ