આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક વાક્ય પણ પૂરું કરવાની શક્તિ એ હોઠમાં રહી નહોતી. બાને જલદી કશોક ઉગાર જોતો હતો.

એ ઉગાર બાને જેઠાણીએ આપ્યો.

કેમ જાણે કારેલાનું શાક જ મૂકવા રસોડામાં આવ્યાં હોય એટલી બધી સ્વાભાવિકતા ભાભુનાં પગલાંમાં ને ભાભુના ચહેરા પર હતી. શાક મૂકતાં મૂકતાં ભાભુએ તદ્દન કુદરતી સ્વરે જ કહ્યું: " કારેલાં દઝવીને કરવાં'તાં, પણ હવે પોચાં જ રાખશું ને? વેવાઈને દાંતનું કાચું છે ખરું ને! બચાડા -"

એટલું બોલીને એણે પાછા જતે જતે સુશીલાને શાંતિથી કહ્યું: "સાબુ કાઢી દે ને બેટા, આજ તો હું જ લૂગડાંને સાબુ પોતારી દઉં."

મા-દીકરી વચ્ચેનો કોઈ માઠો પ્રસંગ ઓલવવા આવી હોવાનો દેખાવ ન કર્યો. દેરાણીને રખે ક્યાંઇક આભાસ સરખોય વહેમ ન પડી જાય કે, એની દીકરીને હું જેઠાણી ઊઠીને સગી જનેતા સામે બેઅદબી શીખવું છું – એ તો હતો તે ઘડીનો ભાભુનો મહાપ્રયત્ન. ભાભુને તે દિવસે પહેલી જ વાર પોતાના ઘર પર કોઇક એવી ભેદપડાવણ હવા આવતી લાગી.

સુશીલા સાબુ કાપતી હતી. ભાભુ નહાવાની ઓરડીમાં બારણાં વચ્ચે સ્થિર થઇ ઊભાં હતાં. રસોડાના બબડાટ પર તો જાણે કોઈ મોટી દીવાલે ફસકી પડી દટણ જ કરી નાખ્યું હતું. એ શાંતિમાં ચીરા પાડતા દમદમાટીના અવાજો ત્રણ-ત્રણ ઓરડાનાં બારણાં ઓળંગીને બેઠકમાં છૂટતા હતા. પોતાનો પતિ આ તે શું વેવાઈને મોંએથી જ ધમકાવે છે, કે તમાચા પણ લગાવી રહેલ છે, એવો એનો વહેમ પડતો હતો. બીક લાગતી હતી, અંદર જઇને જોવામાં એને પોતાનો ધર્મ ન લાગ્યો.

એ કપડાંને સાબુ ઘસવા બેઠી ત્યારે સાબુ ઘસવાની ક્રિયામાં એક ગુપ્ત ક્રન્દન વહેતું હતું. એ ક્રન્દનને ઘરમાં એક સુશીલા સિવાય બીજાં આંખ કે કાન પારખી શકતાં નહીં. ભાભુને સુશીલાએ ભાગ્યેજ કોઈ