આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકાશકનું નિવેદન

રતિનાથની રંગભૂમિ અથવા ચપળા–ચરિત્ર ચન્દ્રિકા” નામનું વાર્તાનું પુસ્તક સ્વ. નારાયણ વિશનજી ઠક્કરે સને ૧૯૧૪ ની સાલમાં લખી આપેલું, પણ તે છાપવાનો પ્રસંગ છેક હજી હમણાં સને ૧૯૪૮ માં આવ્યો તે પણ વિધિનું એક વિધાન નથી તો બીજું શું છે? આ પુસ્તક તદ્દન સ્વતંત્ર કૃતિ નથી, પણ મરાઠી ભાષામાં લખાયલા ડા. રામજીકૃત “સ્ત્રી ચરિત્ર”નો સુધારો-વધારો અને કંઈક અંશે ફેરફાર કરેલો અનુવાદ છે. મૂળ મરાઠી ગ્રંથ ચાર ભાગમાં વિભક્ત છે. તેમાંથી કેટલા ભાગનો આ અનુવાદ છે તે, મૂળ ગ્રંથ હાલમાં અમારી પાસે નહિ હોવાથી અને અનુવાદક મહાશય નારાયણ ઠકકર સ્વર્ગવાસી થયેલા હોવાથી અમે જણાવી શકતા નથી. મૂળ ગ્રંથ વિશે અનુવાદકે પ્રસ્તાવનામાં સારી રીતે ખુલાસો કરેલો છે, અને શા હેતુથી તે લખાયલો છે તે દર્શાવ્યું છે, એટલે એમાં અમારે વિશેષ કશું ઉમેરવાનું નથી. માત્ર વ્યભિચાર વિશે મન્વાદિ સ્મૃતિ ગ્રંથોમાં શું કહેવાયલું છે તે અને પ્રાકૃત-ગુજરાતી ભાષામાં લોકપ્રિય કવિવર અમદાવાદના શામળભટ્ટે (હયાતિ વિ. સં. ૧૭૫૦ થી ૧૮૩૦ સુધી) પોતાના ગ્રંથોમાં શું કહ્યું છે, તેને લગતા છપ્પા ચુંટી અત્રે આપ્યા છે. તે ઉપરથી સુજ્ઞ વાચનારને ખ્યાલ આવી શકશે કે કયા કારણથી સ્ત્રી-પુરુષો ચારિત્ર્યભ્રષ્ટ અને શીલભ્રષ્ટ થાય છે.