આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
ચપલા ચરિત્ર ચંદ્રિકા

પછી આજે જ મરણને સ્વીકારી લઈને કાર્ય કરવાની હામ ભીડવી જ જોઈએ; પછી ઇશ્વરની ઇચ્છા હશે તેમ થઈ રહેશે !”

આવા પ્રકારનો નિશ્ચય કરી રાજાની આજ્ઞા પ્રમાણે પુષ્કળ દ્રવ્ય લઈને પ્રધાન ઝવેરચંદ સિંહલદ્વીપમાં ગયો અને નગરની બહાર છાવણી નાંખી ત્યાંનાં ગરીબગુરબાને દ્રવ્યનું અતોનાત દાન આપ્યું. ત્યાર પછી આનંદથી રાજાનાં દર્શનનો લાભ લઈ તેને પણ ઉત્તમ વસ્ત્રાલંકારોનું નજરાણું કર્યું . એથી રાજાએ સંતોષ પામીને તેને તેનાં નામ, ગામ અને આવવાનું કારણ વગેરે પૂછ્યાં, એના ઉત્તરમાં પ્રધાન ઝવેરચંદે જણાવ્યું કે;–“હે પ્રભો ! હું શા કારણથી અહીં આવ્યો છું તે પોતાના પ્રાણના ભયથી કહી શકતો નથી. મારો જે ઉદ્દેશ છે તે આપે આ૫ના મનમાં જ સમજી લેવાનો છે; જો આ કાર્ય થઈ જાય, તો તેથી ઉભયપક્ષનું કલ્યાણ છે; કારણ કે, આવું ઉત્કૃષ્ટ સ્થળ વારંવાર મળી શકતું નથી.”

રાજા બહુ જ સંતુષ્ટ થઈને કહેવા લાગ્યો કે;-“ વારૂ, ત્યારે અાનું ઉત્તર હું મારી કન્યા સાથે વાતચીત કર્યા પછી આપીશ.” આ વાર્તા સાંભળી નગરમાંના દીન અને ગરીબ લોકો પ્રધાનજીની ધાર્મિકતાનો વિચાર કરી ઈશ્વરને તેના વિજય માટે પ્રાર્થના કરવા લાગ્યા.

રાજાએ અંતઃપુરમાં જઈ સર્વ વૃત્તાંત કન્યાને સંભળાવી કહ્યું કે;-“પુત્રિ ! અત્યારે જ રાજાનું માગું આવ્યું છે, તે રાજા સર્વ રાજાઓ કરતાં મહાસુંદર અને ગુણવાન છે; તેમ જ તું પણ હવે તારુણ્યમાં આવી છે, તો હવે આ માગાનો સ્વીકાર કરી લે. તારી અપકીર્તિનો સર્વત્ર વિસ્તાર થએલો હોવાથી મરણના ભયને લીધે હવે કોઈ માગું લઈને આવે, એવો સંભવ જણાતો નથી. આ કારણથી જો આ રાજાના ગળામાં તું વરમાળા આરોપી દે, તો તેમાં તારૂં અને મારૂ ઉભયનું કલ્યાણ સમાયલું છે.” એના ઉત્તરમાં રાજકુમારીએ જણાવ્યું કે;– “પિતાજી ! તે માગું લાવનાર પુરુષને મારી પાસે મોકલી આપો, એટલે તેના ચાતુર્યની પરીક્ષા કર્યા પછી હું જે ઉત્તર આપવાનું હશે