આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
વીર ક્ષેત્રની સુંદરીની કથા


“મહારાજ ! એવા અધમ નરને તો પ્રાણાંત શિક્ષાજ મળવી જોઈએ.” આ ઉત્તર સાંભળી રાજાએ પોતાની કમરમાંથી કટાર કાઢીને તત્કાળ પ્રધાનની છાતીમાં ભોંકી દીધી, એટલે તેથી અતિશય વિવ્હળ થઈને પ્રધાન ભુમિ પર પડી ગયો અને બે હાથ જોડીને રાજાને કહેવા લાગ્યો કે;-“મહારાજ ! મારો જરા પણ અપરાધ ન છતાં આપે વિનાકારણ મારો ઘાત કર્યો છે. સ્વામીના હાથે મરણ થયું એ પણ મારા માટે તો એક રીતે સારૂં જ થયું છે ! પરંતુ મારા મરણ પછી પણ મારા વિશે આપના મનમાં જેમણે ખોટી શંકા ઉપજાવી હોય તેમને શોધી કાઢી તપાસ કરીને અપરાધીને શિક્ષા આપશો તો પવિત્ર ન્યાયદેવતા ઉપર આપનો મોટો ઉપકાર થશે; આ કારણથી જ પૂર્વે મેં પ્રધાનપદને સ્વીકારવાની ના પાડી હતી, પરંતુ આપે આગ્રહ કરીને મારા પ્રાણ લેવા માટે જ મને એ પદવી આપી હતી, એમ આજે સિદ્ધ થયું. અસ્તુ. હવે મારી માત્ર એટલી જ યાચના છે કે, જે કારણ માટે આપે મારો જીવ લીધો છે, તેની બરાબર તપાસ કરજો એટલે પોતાની ભૂલ આપને અવશ્ય જણાઈ આવશે.” આટલી પ્રાર્થના કરીને તે સ્વામિનિષ્ટ પ્રધાન અને કલ્યાણકારક મિત્રે પોતાના પ્રાણનો તત્કાળ ત્યાગ કરી દીધો.

ત્યાર પછી રાજાએ એ વિષયની સૂક્ષ્મ દૃષ્ટિથી તપાસ ચલાવી એટલે અમુક અધિકારીઓનો એ પ્રપંચ હતો, એમ સપ્રમાણ તેના જાણવામાં આવી ગયું. એથી રાજા અત્યંત ખેદ પામી પોતાના મિત્રના શબને આલિંગન આપી છાતીફાટ વિલાપ કરવા લાગ્યો અને જેમણે તે પત્ર લખાવ્યું હતું તથા જેણે લખ્યું હતું તે સર્વને ફાંસીને લાકડે લટકાવી દીધા.


વીરક્ષેત્રની સુંદરીની કથા

અનંગભદ્રા ! આટલી વાર્ત્તા કહીને મેં તે વીરક્ષેત્રની સુંદરીને કહ્યું કે;-“ભદ્રે ! એનો સારાંશ એટલો જ છે કે, એ રાજા જેવી રીતે મિથ્યા સંશય અને અવિચારથી પોતાના કલ્યાણેચ્છુ બાલસખાને એક