આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
પુન: પતનને પંથે


પુન: પતનને પંથે

કેટલાક દિવસ પછી મારા મિત્રનો મારા પર એક પત્ર આવ્યો, અને તેમાં નીચેની વિગતનો સમાવેશ કરવામાં આવ્યો હતોઃ–

“તમારી સુંદરી કાંઈક દુષ્કર્મ કરવાને તત્પર થઈ છે, એટલા માટે તમે પોતે સત્વર આવો અને બધો બનાવ પોતાની આંખે જોઈ જાએા." એ સમાચાર સાંભળી હું એક સપ્તાહની રજા લઈને ભરુચ ગયો અને ત્યાં આખા અંગે ભભૂત ચોળી ખાકી બાવાનો વેશ લઈને મારા મિત્રને ત્યાં જઈને એકાંતમાં તેના પિતાને મળ્યો. ત્યાર પછી રાત થતાં તે રંડાનાં સર્વ કૃત્યોને જોવા માટે હું છુપાઈને બેઠો - લગભગ એક પ્રહર જેટલો નિશાનો સમય વીતી ગયો હતો અને તે સુંદરી પોતાના ઉંબરામાં કોઈના આવવાની વાટ જોતી બેઠી હતી. એટલામાં તે જેની વાટ જોતી હતી તે તેનો જાર પણ આવી લાગ્યો, તેણે તેને ઘરમાં ઘાલીને દરવાજો બંધ કર્યો અને બન્ને જણ પલંગ પર પધાર્યાં. હું મારા મિત્રને લઈને ત્યાં જઈ પહોંચ્યો અને દરવાજો ઉધાડ કહીને સાંકળ ખખડાવી. તે વેળાએ તે નારીના મનમાં અત્યંત ગભરાટ થવાથી તેણે તે જારને સ્ત્રીને વેષ પહેરાવીને પલંગ પર બેસાડ્યો અને ત્યાર પછી દ્વાર ઊઘાડીને મને અંદર લીધો. તે વેશધારિણી સ્ત્રીનો પરિચય આપતી તે કહેવા લાગી કે;–“આ આપણા પાડોશીની સ્ત્રી છે. તે અહીં મારી પાસે બીજું કોઈ ન હોવાથી હમેશ સૂવાને આવે છે. બિચારી ઘણી જ ભોળી ને ભલી બાયડી છે !”

તેના આવા હડહડતા જૂઠાણાને જોઈને મારા કોપને અવધિ થઈ ગયો અને તેથી તે બનાવટી બાયડીનાં વસ્ત્રો ખેંચીને તેની બનાવટ તેના હાથમાં ખુલ્લી કરીને આપી દીધી. પછી તેમને મારકૂટ વગેરે કાંઈ પણ ન કરતાં માત્ર શબ્દોનો પ્રહાર કરીને જ મેં કહ્યું કે:-“તારા હાથે આ દુષ્કૃત્ય થયું એ ઘણું જ સારૂં થયું. ઘર છોડતી વેળાએ મેં જે બોધ આપ્યો હતો તે સર્વ વ્યર્થ થયો અને છેવટે તારા ભાગ્યમાં જે દુર્દશા લખાયેલી હતી તે જ તારી સ્હામે આવીને ઊભી રહી.” તે