આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપોદ્ઘાત

તેવા નઠારા વિકારથી તમારા અંત:કરણની પરાવૃત્તિ કેવી રીતે થવાની ? એ તો એક સાધારણ અને સર્વમાન્ય સિદ્ધાન્ત છે કે, 'અનુભવ લીધા વિના પશ્ચાત્તાપ થતો નથી !' એટલા માટે આવાં પુસ્તકો અવશ્ય સર્વ સ્ત્રીપુરુષોએ વાંચવાં જ જોઈએ; અસ્તુ.

એ પછી ત્યાંના-હયદરાબાદના મુખ્ય નવાબ મીર નૂર મહંમદ ખાનબહાદુરને દુર્ભાગ્યવશતાથી ભગેન્દ્ર રોગ થયો અને તે સાથે અર્શોવ્યાધિ તથા સંગ્રહણીનો ઉપદ્રવ પણ ઉદ્દભવ્યો. એથી એ રાજ્યકર્ત્તા બહુ જ વ્યાકુળ રહેવા લાગ્યા. તે રોગને સત્વર મટાડવા માટે વારંવાર ઐાષધોપચાર કરવા માટે હું તેમની પાસે રહ્યો હતો. એક દિવસે નિશાનો એક પ્રહર વીત્યા પછી મને મીર સાહેબે કહ્યું કે:- “ડોકટર રામચંદ્ર ! મારા ચિત્તમાં અત્યારે અતિશય ઉદાસીનતા થયા કરે છે, માટે જો મનોરંજન માટે કોઈ સારી વાર્તા કહી સંભળાવો તો મોટો આભાર.” એટલે મેં અનંગભદ્રાને ચપળાચરિત્રની જે કથાઓ સંભળાવીને એક મોટા ગ્રંથની રચના કરી હતી, તેમાંની નિત્ય એક એક કથા સંભળાવી હું મીર સાહેબના મનને રંજિત કરવા લાગ્યો. અને રોગના પરિહાર માટે અનેક પ્રકારનાં ઔષધો પણ આપ્યાં. તથાપિ તેના રોગમાં કાંઈ પણ ઘટાડો થયો નહિ. અંતે તેના સ્વર્ગવાસનો સમય સમીપ આવી લાગ્યો, એટલે મેં તેને પ્રાર્થના કરીને કહ્યું કે;–“ખુદાવન્દ ! આ માનવલોકમાં આવીને પર લોકનાં સાધન માટે આપે પુષ્કળ દાનધર્મ આદિ કરીને જે પુણ્યનો સંગ્રહ કરેલો છે, તેના યોગે આપને સ્વર્ગ મળશે કે નરક એ તો પરમાત્મા જાણે! પરંતુ આપના પરલોકવાસ પછી અહીંના લોકોને દીર્ઘકાળ પર્યન્ત આ૫નું જેનાથી સ્મરણ રહે, એવું કાંઈ પણ મહત્ કૃત્ય નથી કર્યું', એ મહા અનુચિત છે. એટલા માટે જેના યોગે આપની કીર્તિ આપની પાછળ સદા અવિચળ રહે, એવું કાંઈ કાર્ય કરી જાઓ તો વધારે સારું.”