આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપોદ્ઘાત

અનેક ક્ષણિક વિલાસ ભોગવ્યા; પણ એમાંની એક પણ કીર્તિ મેળવી નહિ. પશુ પ્રમાણે વિષયસુખમાં લંપટ થઇને સમસ્ત આયુષ્યને વ્યર્થ ખોઈ નાખ્યું ! હવે મારો અંતકાળ સમીપ આવી લાગ્યો છે, એટલે હવે મારા હાથે એવાં સત્કૃત્યો ક્યાંથી થઈ શકે વારૂ ?”

એ પ્રમાણે ખેદ કરીને તેમણે પોતાના કનિષ્ટ બંધુ મીર નસીરખાન બહાદુરને પોતા પાસે બોલાવીને કહ્યું કે;–“હું તે હવે સત્વર જ પરલોકવાસી થવાનો, એટલે મારા મરણ પછી મારા કુટુંબની અને આ રાજ્યની સારી રીતે સંભાળ રાખજે. અને ખજાનામાં જે અગણિત ધન ભરેલું છે, તેમાંથી જોઈએ તેટલું ધન ખર્ચીને મારા નામનું એક મોટું તળાવ બંધાવજે.” બંધુને આવી આજ્ઞા આપીને તેમણે પોતાના પ્રાણનો પરિત્યાગ કરી દીધો.

અહીં આ વાર્તા કહેવાનું પ્રયોજન એ જ કે, પ્રસ્તુત પુસ્તકમાંની સર્વ કથાઓ મીરસાહેબે સાંભળી હતી અને તે તેમને અપૂર્વ ભાસવાથી એ માટે તેમણે મને અનેક ધન્યવાદ આપ્યા હતા. તેમના એ ધન્યવાદથી આ ગ્રંથને છપાવી પ્રકટ કરવા માટેના ઉત્સાહનો મારા હૃદયમાં સંચાર થયો.

આ પુસ્તકમાંની કથાઓમાં એટલું બધું રહસ્ય સમાયલું છે કે, તેમનું અનેક વાર વાચન કરવા છતાં મનની તૃપ્તિ થઈ શકતી નથી, જો કોઈ સુખવસ્તુ મનુષ્યને ઉદ્યોગના અભાવથી સમય ન જતો હોય, તો તેણે અથવા કોઈ સંકટના યોગે જેને ઉદાસીનતા પ્રાપ્ત થએલી હોય તેણે આ ગ્રંથનું મનનપૂર્વક વાચન કરવું એટલે એથી મનોરંજન અને જ્ઞાન ઉભયનો એક સમયાવચ્છેદે લાભ મળશે.