આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
રતિનાથની રંગભૂમિ

શરદઋતુમાં શીતળતાની, નિદાઘમાં ઉષ્ણતાની, વસંતમાં વનશોભાની અને વર્ષાકાળમાં જળવૃષ્ટિની ઉત્પત્તિ થવી જ જોઈએ - એ જ પ્રમાણે યૌવનકાળમાં સ્ત્રી અને પુરુષ - ઉભયના મનમાં મદનવિકારની જાગૃતિ થવી પણ નિસર્ગના નિયમ અનુસાર અને સ્વાભાવિક જ છે, તેમાં પણ પુરુષ કરતાં સ્ત્રીમાં મદનવિકારની વિશેષતા હોય છે અને યોગ્ય કાળમાં જો તેની શાંતિનું સાધન ન મળે, તો સ્ત્રીને માટે એ વિકારની પીડા મહા અસહ્ય હોવાથી ઉન્માદ જેવા ભયંકર રોગોનું કારણ થઈ પડે છે. હું એક તરુણ, સુંદર અને નવયૌવના નારી છું અને મારામાંનો મદનવિકાર એટલો બધો વધી ગયો છે કે હવે હું તેને દબાવી શકતી નથી. મારા પતિને કોણ જાણે શા કારણથી મારા પ્રતિ અભાવ અને તિરસ્કાર થઈ ગયો છે એટલે તેમના સંયોગથી શાંતિ મળવાનો સંભવ આકાશપુષ્પસમાન છે. અર્થાત્ હવે જેને અજ્ઞ જનો વ્યભિચાર કહે છે અને હું સ્વચ્છંદાચાર કહું છું, તે માર્ગમાં સંચાર કર્યા વિના મારો છૂટકો થવાનો નથી !”

“શિવ ! શિવ ! ! આ શું બોલ્યાં – તમારા જેવી કુલીન આર્ય કન્યા વ્યભિચારના નરકમાં જશે અને વેશ્યા પ્રમાણે સ્વચ્છંદાચાર કરશે ! કદાપિ ન માની શકાય !” મેં ઉદ્ગાર કાઢ્યા.

“જો અત્યંત ક્ષુધાતુરને સારાં ભોજન નથી મળી શકતાં, તો પછી નિરુપાય થઈને ચણામમરા કે અભક્ષ્ય ભક્ષ કરીને પણ તે પોતાની ક્ષુધાનું શમન કરે છે અને જીવનને ટકાવે છે ! એ શું આપ નથી જાણતા ! ક્ષુધાની વેદનાને બુભુક્ષિત જ જાણે છે, પ્રસવની વેદનાને પ્રસૂતા જ પ્રમાણે છે અને મદનની વેદનાને વિરહિણી નવયોવના જ પિછાને છે; અન્ય મનુષ્યોને એની કલ્પના માત્ર પણ હોઈ શકતી નથી. કેટલાક લોકો પરોપદેશે બહુ પાંડિત્ય બતાવે છે, પણ પોતા પર એવો પ્રસંગ આવતાં નરકની નદીમાં ડુબકી લગાવે છે, એ વળી એક આ વિશ્વનું વિલક્ષણ આશ્ચર્ય છે. મારા અભિપ્રાય પ્રમાણે તો જગતમાં અસ્તિત્વ ધરાવતા સર્વ વેગોમાં મદન