આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસંગ ૨ જો

વીરક્ષેત્રની સુન્દરી

“હું મારા યૌવનકાળમાં હતો તે સમયે અમુક કારણવશાત્ ગુજરાતમાંની ગાયકવાડ સરકારની રાજધાની વીરક્ષેત્ર - વડોદરા – માં કેટલાક સમયને માટે જઈ રહ્યો હતો. ત્યાં ફતેપુરામાં પ્રત્યેક શુક્રવારે મોટો બજાર ભરાય છે. એક શુક્રવારે મારા એક મિત્ર સાથે હું બજારમાં કાંઈક ખરીદી કરવા અને બજારની ચેષ્ટા જોવા માટે ગયો. અમે બજારમાંના એક સ્થાને ઊભા રહીને બજારમાં ચાલતી ધામધૂમને જોતા હતા એટલામાં અચાનક સ્હામેના એક બે મજલાના મકાન તરફ મારી દૃષ્ટિ આકર્ષાઈ. તે મકાનની ખુલ્લી બારીમાં એક તરુણ, સુંદર અને ચંદ્રવદના લલના પોતાની સખીઓ સાથે બેઠી હતી. તે પણ બજારની ધામધૂમ જોતી હતી. એવામાં અમારી ઉપર કહ્યા પ્રમાણે ચાર આંખો થઈ ગઈ. તેણે જ્યારે મારાપર દૃષ્ટિપાત કર્યો એટલે પછી હું પણ આગળ કરતાં અધિક એકાગ્ર દૃષ્ટિથી તેને તાકી તાકીને જોવા લાગ્યો. એથી તે જાણી ગઈ કે, 'આ પુરુષ મારામાં અવશ્ય મોહમુગ્ધ થએલો હોવો જોઈએ !' એમ ધારીને તેણે પ્રથમ તો મને આંખનો ઈશારો કર્યો અને તેથી હું એમ સમજ્યો કે, એનો બીજો કોઈ મિત્ર કિંવા પ્રિયકર આ બજારમાં હશે તેને એ ઈશારાથી બોલાવે છે. એમ જાણીને હું ત્યાંજ ઊભો રહી તે મિત્રને જોવા માટે ચારે તરફ મારી દૃષ્ટિને ફેરવવા લાગ્યો, પરંતુ તે ક્યાંય જોવામાં આવી શક્યો નહિ, એટલે પુનઃ મેં તે રમણી પ્રતિ નેત્રપાત કર્યો, અને પાછી તે ઈશારો કરવા લાગી એટલે પાછો હું વધારે ધ્યાનથી તેના મિત્રને શોધવાના કાર્યમાં પ્રવૃત્ત થયો, પણ પ્રત્યુત્તર આપનાર બીજો કોઈ પણ મળી આવ્યો નહિ. આવી સ્થિતિને જોઈને મારી સાથે જે મારે મિત્ર હતો, તેને ઉદ્દેશીને મેં કહ્યું કે;–'મિત્ર ! જરા જો તો ખરો – પેલી સ્હામી બારીમાં બેઠેલી રમણી આપણી તરફ જોઈ નેત્રસંકેતથી અને કરસંકેતથી પોતા પાસે મને બોલાવવાની ચેષ્ટા