આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ચપળા ચરિત્ર ચંદ્રિકા

અવશ્ય મારા પ્રાણ આ દેહમાંથી નીકળી જશે. એટલા માટે આ પરોપકાર કરીને તું મને જીવનદાન આપ.' મારી ઉન્માદદર્શક વાણીને સાંભળી તે કહેવા લાગી કે;–“ભાઈ ! અત્યારે ગુજરાતના ચાર મોટા શહેરોની સ્ત્રીઓના સ્વભાવ વિશે બોલાય છે, તેમાં વડોદરાની બાયડીઓ વિશે લોકોમાં એક કહેવત ચાલી રહી છે કે,

“અમદાવાદી હરામજાદી, ખંભાતી, ગોઝારી;
વડોદરાની વાંકી નારી, સુરતની લટકાળી ” ઇત્યાદિ.

એટલા માટે જો તમને બીજી કોઈ જોઈતી હોય, તો તમારી એ સુંદરી કરતાં હજારગણી વધારે રૂપાળી, નખરાળી અને લટકાળી અત્યારેજ લાવી આપું, તમે કહો છો તે સ્ત્રીનો કશો પણ વૃત્તાંત હું જાણતી નથી એટલે લાચાર છું. છતાં પણ આ બાબતને મારો અનુભવ જૂનો પુરાણો હોવાથી હું મારાથી બનશે તેટલો શોધ કરીશ.” તેનું આ પ્રકારનું ભાષણ સાંભળી હું અત્યંત ઉદ્વિગ્ન મનથી ત્યાંથી નીકળીને પાછો મારા નિવાસસ્થાનમાં આવી લાગ્યો.

ત્યાર પછી નિત્ય હું ત્યાં દિવસમાં બે ત્રણ વાર જતો અને તે સુંદરીને શોધવાની ચેષ્ટા કરતો; પણ તે ન મળવાથી હતાશ થઈને પાછો ચાલ્યો આવતો. એવી રીતે તેના ધ્યાનમાં પડવાથી દિવસે દિવસે મારા ખાનપાનમાં ભયંકર ઘટાડો થતો ગયો અને હું મહાઘોર દુઃખમાં આવી પડ્યો. જે નોકરી હતી તેમાંથી પણ મારૂં મન ઊઠી ગયું અને વરિષ્ઠ અધિકારીને રોજ ઠપકો મળવા લાગ્યો. એવા પ્રકારે કેટલાક દિવસ વીત્યા પછી એક દિવસ હું મદનના ઝાંપાથી ગોવાગેટ જવાના નિર્જન માર્ગ માં આવેલા એક શિવાલયમાં દર્શન કરવાને ગયો અને ત્યાં તે સ્ત્રી પણ પોતાની એક દાસી તથા બેત્રણ બ્રાહ્મણોને લઈને શિવનું પૂજન કરવાને આવેલી હોવાથી અચાનક તેની સાથે મારો મેળાપ થઈ ગયો. હું આનંદમાં આવીને તેના પૂજનકાર્યની સમાપ્તિ થાય ત્યાં સુધી આસપાસમાં ફરતો રહ્યો.