આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ચપળા ચરિત્ર ચંદ્રિકા

તેને વળતે દિવસે નિત્ય પ્રમાણે બ્રાહ્મણ તથા તે દાસીને સાથે લઈને તે રમણી દેવદર્શન કિંવા પ્રિયતમદર્શન માટે શિવાલયમાં આવી પહોંચી. દેવપૂજાની સમાપ્તિ થવા પછી ઈશારાથી દાસીને મારો પરિચય કરાવી તેને પાછળ રાખીને પોતે ઘેર જવા માટે વીજળીના ઝબકારાની પેઠે ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ.

આજે હું તે સુંદરીની પાછળ ન જતાં દાસીના મુખથી તેનો સંદેશ સાંભળવાને ત્યાંજ રહી ગયો. શિવાલયના બહારના ભાગમાં એક ઝાડના થડની આસપાસ ઓટલો બાંધેલો હતો તે પર વૃક્ષની છાયામાં હું બેઠો એટલે તે આસપાસમાં બીજું કોઈ માણસ ન હોવાથી મારી પાસે આવી અને જરાક દૂર ઊભી રહીને કહેવા લાગી કે;–“સિપાહી દાદા ! મારે ત્યાં ગાય દૂઝે છે, માટે જો ગાયનું દૂધ જોઈએ, તો પધારજો.” એના ઉત્તરમાં મેં જણાવ્યું કે;-“ જો તે દૂધ અમારા પીવા જોગું હોય, તો ભલે આપજો. પણ પ્રથમ આપનું ઘર ક્યાં છે તે બતાવો એટલે રોજ મારૂં માણસ આવીને દૂધ લઈ જશે.”

તે દાસી મને પોતાને ઘેર લઈ ગઈ અને ત્યાં જાજમ પાથરીને તે પર મને બેસાડ્યો. ત્યાં બીજાં માણસો બેઠેલાં હોવાથી મને તેણે પૂછ્યું કે;–“આપ ક્યાંના નિવાસી છો ? આપનું નામ શું છે અને આપનો વ્યવસાય શો છે ? વડોદરામાં આ૫ શા કારણથી પધાર્યા છો અને તમારી પાછળ કુટુંબ કેટલુંક છે વારૂ ? આપ પરણ્યા છો કે હજી કુંવારા છો ? આપને ત્યાં રસોઈ કોણ કરે છે ? હાથે તો નથી બનાવતા ? આ રંગીલા નગરમાં આપને કેટલાક દિવસ રહેવાનો વિચાર છે ?” એ પ્રશ્નોના મેં સમયનો વિચાર કરી યોગ્ય ઉત્તર આપ્યાં અને તે સાથે માર્મિકતાથી મારો ગુપ્ત વૃત્તાંત પણ કેટલોક અંશે જણાવી દીધો. તે સાંભળીને તે બોલી કે;–“વારૂ ત્યારે આજે કૃપા કરીને અહીંજ ભોજન લેજો; કારણ કે, અતિથિનો સત્કાર અમે ગૃહસ્થાશ્રમી હોવાથી અમારે કરવોજ જોઈએ.” એટલે મેં કહ્યું કે;–