આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
વીરક્ષેત્રની સુન્દરી-૨

કે:–“પ્રથમ મને જે કાંઈ આપવાનું હોય તે આપો અને તે સાથે મારી શેઠાણી અલકનંદાબાઈને તમે નસાડીને લઈ નહિ જાઓ એ માટેનું ધર્મસાક્ષીથી વચન આપો. ત્યારપછી હું તમને ત્યાં સ્ત્રીના વેશમાં લઈ જઈશ અને તમારી મનોરથસિદ્ધિનો યોગ મેળવી આપીશ.” મેં મારી પ્રિયતમાને કોઈ અન્ય સ્થળે લાવવાનો તેને બહુ આગ્રહ કર્યો, પણ મારા તે આગ્રહને જરા પણ ધ્યાનમાં ન લેતાં તેણે કેવળ એટલો જ જવાબ આપ્યો કે-“કૃપા કરીને અત્યારે હવે આ૫ પોતાને સ્થાને ચાલ્યા જાઓ. હું શેઠાણી પાસે જઈ તેમનો આ વિષયમાં શો અભિપ્રાય છે તે જાણી લઈને સંધ્યાકાળે પાછી તમને મળીશ.” તેનું આ ઉત્તર સાંભળીને હું મારા નિવાસસ્થાનમાં ચાલ્યો આવ્યો.

દાસીએ શેઠાણી પાસે જઈને તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યારપછી કહ્યું કેઃ–“હવે જો તમને કોઈ યુક્તિ સૂઝતી હોય, તો કોઈ નિમિત્ત બતાવીને અત્યારે જ ઘરમાંથી બહાર નીકળી પડો એટલે થઈ જાય આજે ને આજે જ મનોરથની સિદ્ધિ. ધર્મના કાર્યમાં નકામી ઢીલ શા માટે થવી જોઈએ ?”

“સખી ! અત્યારે તો તેવું મારાથી કાંઈ પણ કરી શકાય તેમ નથી. પરંતુ આજે મેં મારા પતિને કહેલું છે કે, મારા પેટમાં આજે પાછો ભયંકર દુ:ખાવો થઈ આવ્યો છે, એટલે આ કારણથી તું જઈને ડોકટરને અહીં ઉપચાર કરવાના નિમિત્તથી લઈ આવ, પણ હા - ઠીક યાદ આવ્યું, કારણ કે, તે અહીં આવશે, તો પણ મનોરથની સિદ્ધિ તો નહિજ થાય; કારણ કે, ડોકટરને કેટલીકવાર રોકી શકાય ? જો તે વધારે વાર રોકાય તે અવશ્ય કોઈના મનમાં શંકા આવી જાય અને તત્કાળ ભેદનો પ્રકાશ થાય તો જીવતાં મુવા જેવું થાય ! ત્યારે હવે પ્રિયકરને મળવાને બીજો શો ઉપાય કરવો ?” આમ બોલીને તે મહા ચિંતામાં પડી ગઈ.