આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
રતિનાથની રંગભૂમિ


“ચિંતા ન કરો, એની વ્યવસ્થા હું કરી લઇશ.” એ પ્રમાણે શેઠાણીને આશ્વાસન આપી તે દાસી મારી પાસે આવી અને ત્યાંનો વૃત્તાંત મને સંભળાવી સ્ત્રીવેશ ધારણ કરવાની સૂચના કરી દીધી. તે બનાવટી ચેાટલો સાથે લાવી હતી તે મેં ટોપી પ્રમાણે માથા પર ધારણ કરી લીધો, હાથમાં તેની શેઠાણીની સોનાની બંગડીઓ પહેરી લીધી અને ત્યાર પછી સ્ત્રીનાં વસ્ત્રો, ઘાઘરો, કમખો અને સાલ્લો ઇત્યાદિ પણ ધારણ કરી લીધાં. એ વેશમાં જ્યારે દાસી સાથે હું મારી મનોહારિણીનાં દ્વાર પર જઇ પહોંચ્યો, તે વેળાએ ત્યાં દેવડી પર એક વૃદ્ધ પુરુષ હુક્કો ગગડાવતો બેઠો હતો, તેણે દાસીને પૂછ્યું કે;-“બાઈ ! તારી સાથે આ બીજી સ્ત્રી કોણ છે વારૂ ?"

“આ દાયણ છે અને હાલમાં જ નવી નવી અમદાવાદથી આવી છે. આપણાં બાઇ સાહેબનું પેટ આજે કેટલાક દિવસથી દુ:ખ્યા કરે છે એટલે તેમના ઉપચાર માટે આ બાઇને બોલાવવામાં આવી છે.” આ જવાબથી તેનું સમાધાન થઇ ગયું અને અમો બન્નેએ તત્કાળ ગૃહમાં પ્રવેશ કર્યો.

એ વેળાએ સૂર્યનો અસ્ત થવા સાથે કામીજનોને પ્રિય નિશાદેવીની સત્તાનો આરંભ થઇ ગયો હતો. મારી મનોમોહિની પ્રથમથીજ પૂર્ણ શૃંગાર સજીને મારા આગમનની માર્ગપ્રતીક્ષા કરતી બેઠી હતી. તેણે મને સ્ત્રીના વેશમાં પણ તત્કાળ ઓળખી લીધો અને દાસીની જરા પણ લજ્જા ન રાખતાં તેના દેખતાં જ તે દોડીને એકદમ મારે ગળે બાઝી પડી. તે દાસીને કહેવા લાગી કે;–“જેના માટે આજે દીર્ઘકાળથી હું આતુર થઇ રહી હતી તે વસ્તુ આજે માંડમાંડ હાથમાં આવી છે, તો હવે એ લુચ્ચી બાઇને અહીંથી પાછી ન જવા દેવાની બરાબર તારે ખબરદારી રાખવી !” એમ કહીને તે મને પોતાના પલંગ પર લઇ ગઇ અને દાસીને એક રૂપિયો આપી મીઠાઇ લાવવાનું કહ્યું. દાસી મીઠાઇ લાવવા માટે લહરીપુરાના બજારમાં ચાલી ગઇ.