આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
વીરક્ષેત્રની સુન્દરી-૨


ઊતાવળમાં ભાન ન રહેવાથી એારડાનાં બારણાં અંદરથી વાસ્યા વિના જ તે પલંગ પર મારી પાસે આવીને બેસી ગઇ. અમે બન્ને મસ્તીતોફાનમાં મચેલાં હતાં એટલામાં તેનો પતિ શસ્ત્રાસ્ત્ર ધારણ કરીને બહાર ગયો હતે તે અકસ્માત અમે બન્નેની આગળ આવીને ભૂત પ્રમાણે ઊભો રહ્યો. તેને જોતાં જ મારી બુદ્ધિનો લોપ થઇ ગયો અને બોબડી બંધ થઇ ગઇ. મે ગભરાટમાં ઊતાવળથી ઊઠીને માથાપર સાલ્લો એાઢી લીધો અને મનમાં દેવદેવતાનાં સ્મરણનો આરંભ કરી દીધો. હું મનમાં જ ઇશ્વરને કહેવા લાગ્યો કે:- “પ્રભો ! જો અત્યારે મારો જીવ બચાવીશ, તો હવે પછી કોઇવાર પણ હું આવો અપરાધ કરીશ નહિ!” એ વેળાએ મારા મનમાં એવો સંશય પણ આવ્યો કે, “દાસીએ એકવાર એવો ઉદ્ગાર કાઢ્યો હતો કે, “હું આ વાત મારા શેઠને કહી દઇશ,” એટલે કદાચિત તે જ રાંડ મીઠાઇ લેવા જતાં એને આ બધા ભેદ જણાવતી ગઇ હશે !” હું આવા તર્કવિતર્ક કરતો હતો એટલામાં તો સુંદરીના પતિએ તેને પૂછ્યું કે;– “હવે પેટનો દુ:ખાવો કેમ છે ?” એના ઉત્તરમાં તે સમયસૂચક સુંદરીએ સમતોલતા જાળવીને નમ્રતાથી જણાવ્યું કે;-“આ અમદાવાદથી નવી આવેલી સુયાણી હમણાં મારૂં પેટ તપાસતી હતી. એનો અભિપ્રાય એવો છે કે, મારે રજસ્વલા થવાનો સમય પાસે આવ્યો છે, તેથી જ આ દુ:ખાવો થાય છે, પણ ઇલાજ કરવાથી તે મટી જશે !” ત્યાર પછી તેના પતિએ મને પૂછ્યું કે;– “દાઇ ! આની પ્રકૃતિમાં બીજો કાંઇ વધારે બગાડો તો નથી ને ?” હું કાંઇ પણ ઉત્તર ના આપતાં સ્તબ્ધ થઇને બેસી રહ્યો. એટલે મારી વકીલાત કરતી તે સુંદરી બોલી કે;–“આ બાઇ બહુજ લજ્જાળુ હોવાથી પરપુરુષ સાથે વધારે વાતચીત કરતી નથી. માટે એને ન બોલાવશો.” આ ઉત્તર સાંભળીને તે પાસેના બીજા મકાનમાંની પોતાની બેઠકમાં ચાલ્યો ગયો.

અનંગભદ્રા ! તે સમયમાં મારા આનંદ અને ઉત્સાહનો ક્યાં અને કેવી રીતે લોપ થઇ ગયો, એનું વર્ણન હું કરી શકતો નથી.