આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
વીરક્ષેત્રની સુન્દરી-૨


“ડોકટર સાહેબ ! અહીંથી હવે તમે મને અને મારી આ વફાદાર દાસીને કોઇ બીજા દૂરના દેશમાં લઇ જાઓ; કારણ કે, તમારો એક પળ માત્રનો વિયોગ પણ હવે મારાથી સહી શકાતો નથી. મારા પતિના સદનમાં હવે હું એક ક્ષણને માટે પણ રહેવા ઇચ્છતી નથી; પછી ભલે એમ કરવાથી મારા પ્રાણ જાય કે રહે એની મને જરા પણ દરકાર નથી !”

તેનો આવો નિશ્ચય જાણીને હું અત્યંત ઉદાસ થઇ ગયો. મને એવા વિચાર આવ્યા કે;-“આ સ્ત્રી કુલીન્ અને ધનાઢ્ય ગૃહની છે અને હું સાધારણ સ્થિતિનો પુરુષ છું એટલે એના ખર્ચાનો ભાર મારાથી ઊપાડી શકાશે કે કેમ, એ એક શંકા જ છે, વળી જો એ એકવાર લજ્જાને ત્યાગી પોતાના ઘરમાંથી બહાર નીકળી, તો પછી મારા તાબામાં પણ ભાગ્યે જ રહેવાની. આના આવા રંગઢંગથી મારી આબરૂ પણ જશે અને મારાથી કાંઇ ધંધો પણ કરી શકાશે નહિ; એટલું જ નહિ, પણ જો કોઇ વાર એના જમદગ્નિ રૂપ પતિનો પત્તો મળશે, તો ગમે ત્યાં આવીને તે મારૂં માથું ધડથી એકદમ જુદુ કરી નાખશે !” આવા ભયથી હું તેને ઉપદેશના રૂપમાં કહેવા લાગ્યો કે:-

“આવી ક્રૂરતા મારાથી કદાપિ થઇ શકવાની નથી; કારણ કે, જો મનુષ્ય બીજાનું અશુભ કરવા ઇચ્છે છે, તેના અશુભની યોજના ઇશ્વર પ્રથમથી જ કરી રાખે છે. આ વિષયસુખની અતિશય લંપટતાથી આજસુધીમાં અનેક શ્રીમાન્ લોકોનો સર્વ પ્રકારે નાશ થઇ ગયો છે. તો પછી આપણા જેવાની શી કથા! એક ચમકતા પાષાણના કટકાને જો સુવર્ણમુદ્રિકામાં જડી દેવામાં આવે, તો તે હીરાની બરાબરી કરે છે, પણ જો તે સ્થાનભ્રષ્ટ થાય, તો પછી તેનું મૂલ્ય એક દમડીનું પણ અંકાતું નથી. એટલા માટે જો તમે આ ઘરમાંથી બહાર નીકળી જશો, તો એક શાહુકારની સ્ત્રીની જેવી દશા થઇ હતી તેવી દશામાં આવી પડશો અને મરણપર્યત આ પ્રમાદનો પશ્ચાત્તાપ કરવો પડશે.”