આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
વીરક્ષેત્રની સુન્દરી-૨

પોતાના હાથે મરી જવાનું હું વધારે પસંદ કરૂં છું.” મેં દીનતાદર્શક અને નિશ્ચયાત્મક ગંભીર વાણીથી કહ્યું.

“ડોક્ટર સાહેબ! આજની ઘટના એવી થઇ છે કે, હવે આપણને સુખ કે વિલાસભોગ ભોગવવાનો અવશર તો નથીજ મળવાનો; કારણ કે આપણા મરણની ઘટિકા બહુ જ પાસે આવી લાગી છે. એટલા માટે આ નશ્વર દેહમાં જ્યાં સુધી પ્રાણપક્ષીનો નિવાસ છે, ત્યાં સુધી અહીં જ બેસો અને અહીંથી જવાની આશાનો ત્યાગ કરો. કારણ કે, જેવી રીતે એક સરદારની સ્ત્રી પોતાના પતિ, પુત્ર, અને દાસી એ સર્વને સાથે લઇને જ મરણના માર્ગમાં ગઇ હતી, તેવી રીતે હું પણ તમને સાથે રાખીને જ મરવાની છું; તમારા જેવા સહચારી વિના નરકના ભયંકર માર્ગનો પ્રવાસ હું એકલી જ કરી શકું તેમ નથી.” તે સુંદરીએ વિકટ સ્મિત કરીને કહ્યું.

કોઇ રીતે રાત વીતી જાય અને સૂર્યોદય થાય એવા હેતુથી મેં કહ્યું કે,–“તે સ્ત્રી પોતાના પતિ, પુત્ર, જાર અને દાસી આદિ સર્વને સાથે લઇને કેવી રીતે મરણ પામી હતી, તે કથાભાગ જો અડચણ ન હોય, તો કૃપા કરીને મને સંભળાવશો ?”

મારી પ્રાર્થનાને માન્ય કરીને તે સુંદરી તે સ્ત્રીની કથા વર્ણવતી કહેવા લાગી કે;–


મદિરાક્ષીની વાર્ત્તા

ડોકટર સાહેબ ! પ્રતિષ્ઠાનપુર નામક નગરમાં પૂર્વે એક સરદાર રહેતો હતો. તેનાં માતાપિતાનો સ્વર્ગવાસ થયા પછી તેણે કેટલાક દિવસ સુધી ગૃહમાં જ બેસીને જે પોતાની વડિલોપાર્જિત સંપત્તિ હતી તે નાના પ્રકારના આનંદવિલાસમાં ખર્ચીને પૂરી કરી નાખી. એ પછી તેના મનમાં એવો વિચાર આવ્યો કે, 'આ તારુણ્યમાં હું વિષયલંપટ થઇને આમને આમ બેસી રહીશ, તો વૃદ્ધાવસ્થામાં અન્ન વસ્ત્રની મહા વ્યથા ભોગવવી પડશે; એટલા માટે અત્યારે શરીરમાં સામર્થ્ય છે તેવામાં જ દ્રવ્યોપાર્જનનો પ્રશ્ન કરવો જોઇએ.' આવો