આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
રાજકુમાર રકતસેનની કથા

વિદ્યાકળામાં પણ નિપુણ થવા લાગ્યો. વયમાં આવ્યા પછી એકવાર રાજકુમારના મનમાં એવો વિચાર આવ્યો કે;–“જ્યાં સુધી મારા પિતાજી હયાત છે અને રાજ્ય તથા સ્ત્રી સંતાન આદિને સંભાળવાનો ભાર મારા માથા પર નથી આવી પડ્યો, ત્યાં સુધીમાં પ્રવાસ કરીને સર્વ દેશો જોઈ આવીએ તો સારૂં. નહિ તો આ બધો ભાર માથા પર આવી પડ્યા પછી આ મનની આશા મનમાં જ રહી જશે.” એ પછી પોતાનો એ વિચાર પિતાને જણાવીને તેણે તેની પાસેથી પ્રવાસમાં જવાની આજ્ઞા માગી. પિતાનો એ એક જ પુત્ર હોવાથી તેની એવી આજ્ઞા આપવાની હિંમત ચાલી નહિ; પણ પુત્રનો અત્યંત હઠ જોઈને છેવટે સાથે બહુ દ્રવ્ય અને મોટી ફોજ આપીને તેણે રાજકુમારને પ્રવાસ કરવાની આજ્ઞા આપી. એ વેળાએ રાજકુમારે કહ્યું કે;-“પિતાજી ! જો આ સેના આદિ સાથે હશે, તો મારાથી સત્વર આવી શકાશે નહિ, માટે મને એકલા જવાની જ અનુમતિ આપો.” રાજાએ કહ્યું કે;-“વત્સ ! પ્રવાસમાં પગે ચાલવું અને પોતાના હાથે ભોજન બનાવીને ખાવું, એ તારા જેવા સુખી રાજકુમારથી બની શકવાનું નથી. જો માણસો સાથે હશે, તો તું સર્વ પ્રકારે સુખી રહીશ.” રાજકુમારે નાના પ્રકારે પિતાને સમજાવી સાથે બહુ દ્રવ્ય લઈને છેવટે એકલા જ અશ્વારૂઢ થઈને પ્રવાસનો આરંભ કરી દીધો. નીકળતી વેળાએ તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે,- “કદાચિત માર્ગમાં આ દ્રવ્ય લૂટારાઓ લૂટી જશે, તો મારે ભૂખે મરવું પડશે.” એ કારણથી પોતાના રાજકોષમાં જૂના વખતના પૂર્વજોના બે મહામૂલ્યવાન્ લાલ હતા, તે તેણે પોતાની સાથે લઈ લીધા અને તે લુટારાઓના હાથમાં ન જાય એટલા માટે પેાતાની બન્ને જંઘાઓને ચીરી તેમાં તેણે તે લાલોને છુપાવી રાખ્યા અને ચામડીને શીવી લઈ મલમથી ઘાને રૂઝાવીને તે પ્રવાસ માટે નીકળી પડ્યો.

રાજકુમાર પ્રવાસ કરતો અનેક દેશોનું અવલોકન કરતો ચાલ્યો જતો હતો એવામાં કેટલાક દિવસ પછી માર્ગમાં રાજધાનીનું એક