આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
રતિનાથની રંગભૂમિ

ન થયો. એટલામાં તેનો પિતા બજારમાંથી ઝેર લઈને આવી પહોંચ્યો. તેને વેશ્યાએ કહ્યું કે;–“પિતાજી ! અા સાવધ થઈ ગયો છે, એટલે વિષપાન તો નહિ જ કરે; એટલા માટે વેગથી ચાલનારા બે ઘોડા તૈયાર કરીને લાવો; કારણ કે, કોઈ પણ પ્રયત્ને આના પ્રાણનો નાશ કરી આપણું કાર્ય સાધીને આપણે એ ઘોડાપર બેસી અહીંથી પલાયન કરી જઈશું !” તેની આ વાણી સાંભળી રાજકુમાર અત્યંત દીનતા- દર્શક સ્વરથી કહેવા લાગ્યો કે:–“સુંદરી ! તું મને જીવતો રહેવા દે એટલે તને જે વસ્તુની ઇચ્છા છે તે આપીને હું તારો મનોરથ પૂર્ણ કરવાને તૈયાર છું.” પરંતુ તે દુષ્ટ સ્ત્રી તેનું કાંઈ પણ ન સાંભળતાં મ્યાનમાંથી તલવાર કાઢીને તેનું ગળું કાપવાને તત્પર થઈ ગઈ. તે વેળાએ પુન: તે રાજકુમાર તેની પ્રાર્થના કરતો કહેવા લાગ્યો કે:-“હે રમણી ! અત્યારે જો તું મને જીવનદાન આપે, તો હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, હું તારું પાણિગ્રહણ કરીને તને મારી રાણી બનાવીશ અને તારી સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરીશ. મને મારવાથી તને જે કાંઈ મળવાનું છે તે માત્ર એક જ વાર મળશે, પણ મને જીવતો રાખવાથી એવા અનેક વૈભવોને તું મરતાં સુધી ભોગવીશ. બકરીને કાપીને તેનું માંસ ખાવાથી માત્ર એકજ વાર તૃપ્તિ થાય છે અને તેના દૂધનું સેવન કરવાથી જન્મારો નીકળી જાય છે, એ તત્ત્વ તો તારા જાણવામાં હોવું જ જોઈએ. વળી મને મારવાથી તારા પોતાના પ્રાણની હાનિનો સંભવ છે, એનો પણ તારે વિચાર કરવાનો છે; કારણ કે, હજી રાત ઘણી બાકી છે, એટલે ગામના દરવાજા ઊઘડ્યા વિના તને કોઈ બહાર જવા દેશે નહિ અને તેટલામાં મારો કોઈ મિત્ર આવી લાગશે, તો તને પકડીને મારી નાખશે, એટલા માટે મને ન મારતાં દરવાજા ઊઘડવાનો વખત થાય ત્યાંસુધી મનને સ્થિર કરીને પેલા બાજઠ પર બેસ અને હું જે એક કથા સંભળાવું તે સાંભળીને મનમાં કાંઈ દયા આવે, તો મને જીવનદાન આપજે અને નહિ તો જતી વેળાએ મારા ગળા પર તલવાર ફેરવીને ચાલી જજે.” વેશ્યાને પણ તેની આ