આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
રતિનાથની રંગભૂમિ

અવતાર બીજો કોઈ પણ નથી, એટલા માટે તને જે વસ્તુ જોઈએ છે તે લે અને મને જીવતો રહેવા દે !” તેનાં આ વાક્યો સાંભળીને મદનમોહિની વેશ્યા કહેવા લાગી કે;-“તમને મારી નાખવાની મારી ખાસ ઇચ્છા નથી; પણ જો તમને જીવતા રાખીશ, તો તમે મારી ખરાબી કરી નાખશો, એમાં તો સંશય છે જ નહિ અને એટલા માટે તમારા પ્રાણ મારે અવશ્ય લેવા જ જોઈએ.” એના ઉત્તરમાં રાજકુમારે જણાવ્યું કે;–“પ્રમદે ! આ કુકલ્પનાને હૃદયમાં સ્થાન આપતી જ નહિ, કારણ કે, સ્ત્રીહત્યા મહા પાપ છે એટલે હું તને મારવાનો નથી; છતાં તને મારા વચનમાં વિશ્વાસ ન આવતો હોય, તો મારી પાસેથી વચન લે; કારણ કે, ક્ષત્રિયો પ્રાણ જતાં ૫ણ વચનનો ભંગ નથી કરતા, એ તો તું સારી રીતે જાણેજ છે. અાટઅાટલી પ્રાર્થના કરવા છતાં, જો તું મને મારી નાખીશ, તો શેઠ ધર્મકાન્તની પત્નીને જેવો અસહ્ય પશ્ચાત્તાપ થયો હતો, તેવો જ પશ્ચાત્તાપ તને પણ થશે અને તે વેળાએ પોતાનું જીવન પણ તને અકારૂં થઈ પડશે.” એમ કહીને રક્તસેને ધર્મકાન્ત શેઠની પત્ની વારુણીની કથાનો નીચે પ્રમાણે વિસ્તાર કર્યો;–


વ્યભિચારિણી વારુણીની વાર્તા

પૂર્વે રત્નાવતી નગરીમાં ધર્મકાન્ત નામનો એક ધનાઢ્ય વ્યાપારી વસતો હતો. તેની વારુણી નામની સ્ત્રી અત્યંત વ્યભિચારિણી હોવાથી તેને સંતતિ થતી ન હતી. તેના પતિએ અગણિત દ્રવ્ય ખર્ચીને તીર્થયાત્રા આદિ કરી, પણ તેનું કાંઈ પણ ફળ ન મળવાથી અંતે નિરાશ થઈને બેસી રહ્યો. ત્યારપછી એક દિવસ વારુણી પોતાના પતિને કહેવા લાગી કે –“અહીંથી બાર ગાઉ ઉપરના પર્વત પર જગદંબા દેવીનું મંદિર છે, તેની માનતા માનવાથી અને તેને નૈવેદ્ય ચઢાવવાથી સંતતિ અવશ્ય થાય છે, એવો ઘણાકોને અનુભવ મળ્યો છે. એટલા માટે મારો એવો વિચાર છે કે, આપણે પણ ત્યાં જઈએ અને દેવીને નૈવેદ્ય ચઢાવી સંતાનસુખ મેળવીએ.” પોતાના પતિને