આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
રાજા ચંદુલાલ અને બાજપક્ષી

હોય તો તેનો શોધ કરવા લાગ્યો. એટલામાં એક વૃક્ષમાંથી પાણીનાં બિંદુ ટપકતા તેના જોવામાં આવ્યા, એટલે તે સ્થળે જઈ ઝાડનાં પાંદડાનો એક દડિયો બનાવી તેની નીચે ધરીને થોડુંક પાણી તેણે એકઠું કર્યું. એટલામાં તેની સાથે શિકારી બાજપક્ષી હતો તેણે ઝડપ મારીને તે પાણી ઢોળી નાખ્યું. રાજાને ક્રોધ તો થયો, પણ ક્રોધને શમાવીને પાછો તેણે પડિયો ધર્યો અને થોડું જળ એકત્ર કર્યું; પણ પુનઃ તે બાજપક્ષીએ તે પડિયાને ઉંધો વાળી પાણી ઢોળી નાખ્યું. એ વેળાએ રાજાનો કોપ અનિવાર્ય થવાથી તેણે તે પક્ષીને પકડીને તત્કાળ તેનો ઘાત કરી નાખ્યો, અને ત્રીજીવાર પડિયાને તે ટપકતા જલબિંદુ નીચે રાખ્યો. એ પછી રાજાના મનમાં અચાનક વિચાર આવ્યો કે, બાજપક્ષીએ બે વાર પાણી ઢોળી નાખ્યું તેનું કારણ શું વારૂ? જરા તપાસ તો કરવો જ જોઈએ. એમ વિચારીને તે તપાસ કરવા લાગ્યો એટલે ઝાડ પર એક મોટો નાગ આડો પડ્યો છે અને અત્યંત ઉષ્ણતા થવાથી મોઢું નીચું કરી ઝેરી લાળ ટપકાવે છે, એવો દેખાવ તેના જોવામાં આવ્યો. આ દેખાવ જોઈને રાજા અત્યંત ભયભીત થઈ ગયો અને વૃક્ષ પરથી નીચે ઉતરી બાજ પક્ષીના મુખને ચૂમતો બોર બોર જેવડાં આંસુ વર્ષાવીને રોવા લાગ્યો. અને મનમાં કહેવા લાગ્યો કે;-“આજે જો આ પક્ષી મારી સાથે ન હોત, તો આ સર્પવિષના પ્રાશનથી અવશ્ય મારો નાશ થઈ જાત !” એ પછી એ રાજા જ્યાં સુધી જીવ્યો ત્યાંસુધી તે પક્ષીનો સર્વ કાળ ઉપકાર માનીને શોક કર્યા કરતો હતો. તે જ પ્રમાણે હે પ્રિયતમે ! જો તું મને મારી નાખીશ, તો તું પણ અત્યંત પશ્ચાત્તાપમાં પડી જઈશ; અને મને જો આ બંધમાંથી મુકત કરી જીવનદાન આપીશ, તો તારૂં કલ્યાણ થઈ જશે.”

આ વાર્તાનું તે વેશ્યાના હૃદયમાં કાંઈ પણ પરિણામ ન થતાં તે બાજઠ પરથી ઉઠી તલવાર ઉગામીને પુનઃ તેનું ગળું રેંસવાને આગળ વધી એટલે પુન: તે પરાધીન અને નિરાધાર રાજકુમાર તેને અનેક પ્રકારે પ્રાર્થના કરીને જીવનનું તેની પાસેથી દાન માગવા લાગ્યો.

X X X