આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
વ્યાજનો વારસ
 

 આભાશાએ લીલી લેખણે દેશાવરમાં કંકોત્રીઓ લખી છે. શરાફી ધંધા અંગે ઊભા થયેલા અનેક ગાઢ સંબંધીઓને નિમંત્રણો પાઠવ્યાં છે. નજીકનાં સગાંસ્નેહીઓને તેડવા માટે ખાસ વણોતરો ગયા છે. બહોળા મહીમહેમાનોના ઉતારા માટે અર્ધા ગામની આલીશાન મહેલાતો વાળીઝૂડીને સાફ કરાવી રાખી છે.

ગામેગામના શરાફ મહાજન અને નગરનગરના નગરશ્રેષ્ઠીઓ મહેમાન બનીને આવ્યા છે. સોનાંરૂપાં ને હીરામાણેકના અલંકારોથી વિભૂષિત એ પ્રતિભાવંત પુરુષો અને પદમણી જેવી રમણીઓ ગામના માર્ગો ઉપર થઈને પસાર થાય છે ત્યારે એ માર્ગો જાણે કે એમને સાંકડા પડે છે. અઢળક લક્ષ્મીના આગમનથી ગામની રોનક હસી ઊઠી છે.

ધોળી બાસ્તા જેવી ખડીથી ધોળાયેલ આભાશાની ડેલી પર લાલ ગેરુના ટોડલા ચિતરાયા છે. બારસાખે અણિયાળા આસોપાલવનાં તોરણ ટિંગાય છે. વીસપુરથી નિહાલ શેઠે લગન લખીને કૂળગોરને મોકલ્યો છે. લગન વધાવીને આભાશાએ ગામલોકોને જણપટ ગોળ અને ખારેકની લહાણ વહેંચી છે. લગ્નોતરી વાંચીને રિખવના મંડપનું આરોપણ થયું છે. ગામના કસબી કમાનગરાએ ત્રણ મજલાવાળો માંડવો ઊભો કર્યો છે. એની બાંધણી અને કારીગીરીમાં સામાન્ય માણસોની અક્કલ કામ કરી શકે તેમ નથી. થાંભલાની ચાર ચાર દિશાએ ગોઠવેલી નમણી પૂતળીઓ જોતાં તો એમ જ લાગે કે જાણે હમણાં એ હસીને ચાલવા માંડશે ! માંડવાને ભોંયતળિયે સોહાગણો મંગળ ગીતો ગાય છે, પહેલે મજલે ઢોલ–શરણાઈ આદિ વાદ્યો વાગે છે અને બીજે મજલે નર્તકીઓ નાટારંભ કરે છે. માત્ર ગામનાં જ નહિ પણ આસપાસની દસવીસ ગાઉની સીમનાં માણસો રિખવ શેઠનો માંડવો જોવા ઊમટી પડ્યાં છે.

પરેવાશે જૂતેલી જાનનાં એંશી ગાડાંની કતાર ગામના પાદરમાં સામતી નથી. સહુની મોખરે વરરાજાનું ગાડું છે. એના બળદ પણ