આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
વ્યાજનો વારસ
 

 છાંયડો તેમ જ પિયાવો જોઈને જાન આખી ટીમણ કરવા બેસે છે. ખાતાં ખાતાં વાતો અને મશ્કરીના ઝીંકોટા બોલે છે. પાનસોપારીનાં બીડાં ચવાય છે; અને ફરી આખો કાફલો વીસપુરને માર્ગે રવાના થાય છે.

વીસપુરની સીમમાં જઈને વોળાવિયાએ બંદૂકમાં ભરેલો દારૂ ફોડી નાખ્યો. એના અવાજોએ ગામને જાણ કરી કે ‘રિખવ શેઠ વનરાજે સીમડી ઘેરી…… માણારાજ……’ સામટાં ગાડાં પાદરમાં પહોંચ્યાં ત્યારે તો ખરેખર સીમાડાને કોઈએ ઘેરો ઘાલ્યો હોય એવું લાગ્યું.

નિહાલ શેઠ તરફથી થતી જાનની આગતાસ્વાગતામાં જરીયે કમીના નથી. લશ્કરી કુટુંબની જુનવટ અને અમીરાતને છાજે એવી એમની સરભરાની રીતરસમ છે. ગામથી બે ગાઉ આગળને એક વિસામે લશ્કરી શેઠના માણસો દૂધિયાં અને શરબતની ઠંડાઈના દેગડા લઈ લઈને સામા ગયા છે. પાદરમાં પાણીની તાંદમાં કોથળા મોડે ખાંડ ઠાલવીને જાનૈયાઓને ગળ્યાં પાણી પાયાં છે. રોંઢો નમ્યે વાજતેગાજતે જાનનાં સામૈયાં થયાં છે. રૂપાના શણગારે લચી પડતી ઘૂઘરવેલમાં રિખવ શેઠ બેઠા ત્યારનો દેખાવ તો ભલભલા રાજામહારાજાઓની સાયબીનેય શરમાવે એવો હતો : મોખરે સાજનમાજન, વચ્ચે વરરાજા અને છેડે રંગબેરંગી પટકૂળોમાં વિભૂષિત થયેલું સ્ત્રીવૃંદ. સામૈયું ગામમાં પ્રવેશ્યું ત્યારે જાણે કોઈ પ્રતાપી મહાનરના આવવાથી આખા ગામમાં જીવ આવ્યો.

સાંજે રિખવ પોંખાયા પછી અંતરપટની આડશે આવીને સુલેખા જે તાંબૂલ છાંટી ગઈ એ પ્રવાહીમાં પોતાને પ્રિય એવી ચિત્રકલાના જ નહિં સમસ્ત જીવનકલાના જુદા જુદા રંગોને જાણે કે એકરંગી બનાવ્યા હોય એમ લાગતું હતું.

નિહાલ શેઠે પોતાના ખોરડાની વટ પ્રમાણે પાંચ પાંચ દિવસ સુધી જાનને રોકી છે. પાંચેય દિવસ જાનૈયાઓ ફરતી ફરતી મીઠાઈઓ