આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૧૨]


અમરતની આકાંક્ષાઓ

સુલેખાને પાદપ્રહાર કર્યા પછી રિખવ શેઠના સ્વૈરવિહાર માટે માર્ગ મોકળો બન્યો છે. એ સ્વૈરવિહારોમાં દલુ અને ઓધિયાની સહાય છે. અને ઉસ્તાદ ઐયૂબખાનની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ઐયૂબખાન દેશાવર આખાના ભોમિયા છે. ગામેગામના ગવૈયા ને બજવૈયાથી તેઓ પરિચિત છે. ભલભલી ગાયિકાઓ ઐયુબખાનને ચરણે બેસીને તાલીમ લેવામાં ગર્વ અનુભવે છે. નર્તકીઓ પોતાના નૃત્યવિધાનમાં ઐયૂબખાન પાસેથી પગના ઠેકાના જુદા જુદા તાલના બોલ માગે છે. ઉસ્તાદજી જીવનભરના ફરતલ આદમી છે. મોટાં મોટાં શહેરોની ગણિકાઓનો એક પણ આવાસ એમનાથી અજાણ્યો નથી. આવા અનુભવી ગુરુએ રિખવ શેઠને આંગળીએ ઝાલીને ફેરવવા માંડ્યા.

અમરતે આશા રાખી હતી કે રિખવનો સોનૈયો વટાવાઈ ચૂક્યા પછી દલુને વટાવવામાં તો ઘડીનીય વાર નહિ લાગે; એના વેવિશાળ માટે ઉપરાઉપર શ્રીફળો આભાશાને ઉંબરે અથડાવા માંડશે. પણ અમરતની એ માન્યતા ખોટી પડી. છેક, બાળપણથી ઓધિયાએ પોતાના ભાઈબંધ દલુની જે શાખ બંધાવી હતી તેથી તેમ જ દેશાવરમાં અમરતની જે જાતની નામખ્યાતિ થઈ હતી તેથી સહુ પુત્રીપિતાઓ એટલા તો ભડકતા કે ભૂલેચૂકેય કોઈ દલુ માટે પોતાની પુત્રીનું કહેણ મોકલે તેમ નહોતા.