આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
વ્યાજનો વારસ
 

 રાત સારી પેઠે ભાંગી ગયા પછી મુશ્તરીએ પાનપટ્ટીઓ વહેંચવી શરૂ કરી. મુશ્તરી આ શહેરની ખ્યાતનામ ગાયિકા હતી. ઉસ્તાદ ઐયૂબખાનને એની સાથે જૂની પહેચાન હતી. એક નાનકડી પાનપટ્ટી બનાવીને રિખવ શેઠને આપતાં એણે ‘લીજીએ !’ કહ્યું અને જાણે કે ફૂલવેલ હસી ઊઠી. નૂપુર ઝંકારી ઉઠ્યાં. રિખવે આછા મુશ્કુરાહટ સાથે પાન લઈને મોંમાં મૂક્યું,

મુશ્તરીએ બીજાં સહુને પાન વહેંચ્યા પછી પોતે પણ જમાવીને પાન ખાધું અને તબલચીઓ અને સારંગીવાળાને સાબદા કર્યા.

તબલચીઓના કાબેલ આંગળાં તબલાં સાથે ગેલ કરવા માંડ્યાં. સારંગીવાળાની આંગળીના ટેરવાં, જેમાં લાંબી કામગીરી પછી ઊંડા ઊંડાં ઘોયાં પડી ગયાં હતાં તે ચિરપરિચિત તાર ઉપર પાણીના રેલા જેટલી આસાનીથી સરકવા લાગ્યા. અને જામતી રાતના વાતાવરણને અનુકૂળ તરજ છોડી.

મુશ્તરીએ અજબ નજાકતથી પોતાની ગૌરવર્ણી ડોક મરડીને તરજ ઝીલી લેતાં, ચાંદીની ઘંટડી જેવા સુમધુર સ્વરમાં શરૂ કર્યું :

પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી……

પહેલી જ પંક્તિએ ગીતનું ગાયન અને વાદ્યોનું વાદન સમવેત થઈ ગયાં અને એ બન્ને સાથે વાતાવરણ પણ સુસંવાદી બની રહ્યું. રિખવ બીજું સઘળું ભૂલી જઈને ગીતના ધ્વનિ સાથે પોતાનાં અંતરનો તાર મેળવી રહ્યો.

મુશ્તરી ફરી ફરીને એ પંક્તિ ઘૂંટતી હતી :

પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી……

વાતાવરણમાં બધું જ શાંત થઈ ગયું અને જાણે કે માત્ર ઝાંઝરનો જ ઝંકાર ગાજી રહ્યો.

મુશ્તરીએ આગળ ચલાવ્યું :