આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ જામ, એ લબ, એ બોસા !
૧૦૯
 



પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી……
કૈસે આઉં તોહે મિલનારી……

‘કૈસે આઉં ?’ ના પ્રશ્નાર્થમાં મુશ્તરીની નિઃસહાયતાની નજાકત મુગ્ધ કરે એવી હતી. મોંમાં ઓગળતાં પાનના સ્વાદિષ્ટ રસની અસર રિખવના દિલ તેમ જ દિમાગમાં પહોંચી હતી. રિખવની નજર સામે અત્યારે એમીની – દૂર દૂર મીંગોળામાં રહેતી એમીની – મૂર્તિ તરવરતી હતી. વચ્ચે વચ્ચે કોઈ કોઈ વાર એના સ્મૃતિપટ પર સુલેખા ડોકાઈ જતી, પણ રિખવ પ્રયત્નપૂર્વક એની સ્મૃતિનાં શેષ કણોને પણ વાળીઝૂડીને યાદદાસ્તમાંથી બહાર ફેંકી દેતો હતો. રિખવની આંખનું નૂર અને દિલનો કરાર એમી હતી. સુલેખા એને મન અહંકારનું પૂતળું હતી.

એક ચીજ પૂરી થાય કે તરત મુશ્તરી બીજી ચીજ ઉપાડતી હતી. એ ગીતોની પસંદગીમાં પણ એની રસિકતા દેખાઈ આવતી હતી. વચ્ચે વચ્ચે ઉસ્તાદ ઐયૂબખાનજી વાતાવરણને અનુકૂળ રાગરાગિણીઓનું સૂચન કરતા જતા હતા. મુશ્તરીએ સંગીતની જમાવટ કરી હતી. સારંગીવાળાઓ સર્વ શક્તિઓ રેડીને સૂર કાઢ્યે જતા હતા. તબલચીઓ તબલા ઉપર બેવડા વળી જતા હતા. ઉસ્તાદજી વચ્ચે ‘અજી વાહ !’ ‘અજી વાહ !’ ‘ખૂબ બહોત ખૂબ !’ ‘જીતે રો છમિયાં !’ના ઉદ્‌ગારો કાઢી વાતાવરણને ધમકભર્યું રાખ્યે જતા હતા.

ગીતો પત્યા પછી કાસીદા અને રુબાઈ ચાલી, વચ્ચે મુસલ્લસ અને મુખમ્મસની વાનગી પણ આવી ગઈ. ગઝલ, મિસરા, મતલા અને મક્તા ઉપર ઐયૂબખાનજી આફરીન પોકારી ગયા.

રાત ભાંગતી ગઈ તેમ તેમ રાગરાગિણીઓ ઓછી થતી ગઈ. શાસ્ત્રીય ગીતોના બંધિયારપણાને બદલે ગઝલ કવ્વાલીના કાફિયા અને રદીફની મુક્ત રમઝટ ચાલી, અને ‘મુકર્રર ઇરશાદ’ ‘મુકર્રર ઇરશાદ’ બોલાઈ રહ્યું.