આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૧૪]


ગુલુ

મીંગોળા ગામ નકરા સંધીએથી જ વસ્યું હતું. ગામને ખપ પૂરતા થોડા માથાભારે વસવાયા જ એમાં વસવાટ કરી શકતાં. કાચાપોચાનું ત્યાં કામ જ નહિ. ખેડ કરનાર ખેડૂતાનાં થોડાં ખોરડાં હતાં. પણ એ તો બિચારા આ સિંહની સેાડમાં સસલાની જેમ ભરાઈ રહેતાં. જે જે સંધી લોકોને ખેડ હતી તેઓ પણ કણબી લોકોને સાથી તરીકે રાખીને અથવા ભાગિયા બનાવીને જમીન ખેડાવતા.

ગામ આખા ઉપર સંધીઓનો કડપ હતો. ગામના ધારધણી એ હતા. રાજ્યના અમલદારો કે વહીવટકર્તાઓની પણ આ લોકોને મન કશી વિસાત નહોતી. ભલભલા કડક ફોજદારને પણ આ લોકો ભૂ કરીને પી જતા. કાયદો અને વ્યવસ્થાને આ લોકોએ પોતાને ઘેર ગીરવી રાખ્યા છે એમ બોલાતું. તેઓ જે બોલે એનું નામ કાયદો અને જે આચરે એનું નામ વ્યવસ્થા. ધોળે દિવસે આજુબાજુનાં ગામોમાં ધાડ પાડી આવીને લૂંટની મત્તા બજાર વચ્ચોવચ્ચ બેસીને વહેંચી શકતા. પોલીસ નામનું પ્રાણી ભૂલેચૂકેય આ ગામના સીમાડા તરફ વળતું નહિ. વળે તો એ ભાગ્યે જ હેમખેમ પાછું જઈ શકતું.

આવા ભારાડી ગામમાં એમીનું સાસરું હતું. એમીના સાસરિયાવાળા લોટોંઝોંટો કરવા માટે જાણીતા હતા. ખેતી પાછળ