આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
વ્યાજનો વારસ
 


નદી કાંઠેના રૂખડા,
પાણી વિના સુકાય…
જીવ તું શિવને સંભાળજે…

મરતા માણસને વિદાય આપતું આવું ગમગીન ગીત સાંભળીને એમીએ પીઠ પાછળ પથરાયેલા કબ્રસ્તાન તરફ નજર કરી અને સહુ સાજાંનરવાં રહે એવી દુઆ ગુજારી.

છોકરાનું ગીત આગળ વધતું હતું :

મારું મારું તેં બવ કીધું
અંતે નહિ આવ્યાં કામ
જીવ તું શિવને સંભાળજે…

એમી એકધ્યાને સાંભળી રહી હતી. ગીતનો સ્વર વધારે ઘેરો બનતો હતો :

આવળ દાતણ મોરિયા
દાતણ કરતેલા જાવ,
જીવ તું શિવને સંભાળજે…

અને એના ઉત્તર રૂપે ગોવાળના છોકરાએ ગાયું :

દાતણ કરશું રે વાવડી
વાસો હરિને દરબાર
'જીવ તું શિવને સંભાળજે…

એમીથી આ ગીત સાંભળ્યું ન ગયું. એને અનેક અમંગળ કલ્૫નાઓ આવવા લાગી. અનાયાસે જ એની નજર કબ્રસ્તાન ઉપર જવા લાગી. ચૂંથાતે જીવે લૂગડાં ધોવાનું કામ પતાવ્યું પછી છોકરાંને નવરાવવાનાં હતાં. ગુલુ અને એના ગોઠિયાઓ હજી એક મોટી ભેખડેથી નીચે પાટમાં બાજોઠિયા ને કોશિયા કૂદકા મારી રહ્યા હતા અને એકબીજાને પાણી ઉડાડીને ગેલ કરી રહ્યા હતા.