આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખિયારની ક-દુઆ
૧૨૯
 

 ઘરને ભરતીભેળણીમાં લેવાનું સૂચવ્યું. આ સૂચન સહુને સાચું અને સાહજિક લાગ્યું. આમેય લાખિયાર એના વ્યાજનાં કાંધા માટે ઠાગાઠૈયાં તો કરતો જ હતો. ધીમે ધીમે એના પ્રત્યેના આભાશાના આદરભાવને ચતરભજે પોતાના વાક્ચાતુર્યના રસાયણમાં ઓગાળી નાખ્યો.

જે દિવસે લાખિયારના ઘરનાં ગોદડાંગાભા ને ઠામઠીકરાં જસપરની ભરી બજારમાં હરાજ થયાં તે દિવસે દિલસોજીભર્યા ગામલોકોએ આભાશાના આ મુનીમને ‘ચતિયો ચંડાળ’ એવું બિરુદ બક્ષ્યું.

જે દિવસે લાખિયારના ખરડાનો કબજો લેવાવાનો હતો તે દિવસે સવારમાં લાખિયાર લાકડી ઠબકારતો ઉધરસ ન આવતી હોવા છતાં આદત પ્રમાણે ઉપરાઉપરી ખોંખારા ખાતો ખાતો આભાશાની ઓશરીમાં આવ્યો અને હાથમાં ડંગોરો પકડીને સલામ કરતો કરતો ઊભડક પગે બેઠો.

‘સાંકડા ભોણમાં આવે તંયેજ સર૫ સીધો હાલે.’ ચતરભજે પહેલી જ ટકોર કરી.

‘બાપા !’ લાખિયારે જડબું ધ્રુજાવતાં કહ્યું : ‘સરપને સાંકડા ભોણમાં લીધો એના કરતાં એના ઉપર પાણાનું ગદેલું ફેંકીને મારી નાખો તે બચાડાનો છુટકારો થાય.’

‘એલા, કાંઈ જીભ બવ વધી છે હમણાં ? જંયે આંઈ આવ છ તંયે મારી નાખવાની જ વાતુ કર છ તી તને કોણે મારી નાખ્યો ?’ ચતરભજે દમ ભરાવ્યો.

‘ભાઈશાબ, તમે મને સાચોસાચ મારી નાખ્યો હોત તો તમારો મોટો પાડ માનત. આ તો મને જીવતે મર્યા જેવો કરી મૂક્યો… જીવતું મોત……’

‘હવે મૂગો મરીશ ? હમણાં વિમલસૂરીજી ગોચરી વહોરવા