આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
વ્યાજનો વારસ
 


આવ્યા હતા. એકેકી શેર ઉપર રિખવ શેઠ આફરીન થાય છે અને રૂપિયાની મુઠ્ઠી ભરીભરીને ગાયિકાના હાથમાં ઠલવે છે.

શૃંગારરસથી છલોછલ એ તરજો સાંભળતાં સાંભળતાં રાત સારી પેઠે ભાંગી ગઈ. પણ રિખવ શેઠને એનું જરાય ભાન નથી, હસીન નાજનીના સૌન્દર્યના તેમ જ મદ્યપાનના બેવડા નશામાં એ ચકચૂર છે.

બાજુના એક નાનકડા તંબૂમાં એક અંધ કવાલે ગઝલ અને કવાલીઓની રમઝટ જમાવી હતી. ત્યાંથી આવતી એક શેર રિખવ શેઠના કાન સોંસરવી ઊતરી ગઈ :

બાગ ક્યા ? અલ બહાર ક્યા ? અય બાગબાં !
યાદ ક્યું કરતે હો બુલબુલ કી ઝબાં ?
સાજ દેખો હૈ ખીજાં કા બજ રહા,
કલ ન હોગા કલ કા થા જો દબદબા…

નશાથી ચકચૂર રિખવ શેઠના મગજમાં પણ આ બેતનાં વેણો તીર જેમ ઊતરી ગયાં. ગાયિકાઓ તરફથી આવતાં ઇશ્કી ગીતોની ટુકો ભુલાઈ ગઈ અને એની જગ્યાએ કોઈ મિસ્કીન કવાલની તેજાબ સમી દાહક પંક્તિઓ દઝાડી રહી. ‘સાજ દેખો હૈ ખીજાં કા બજ રહા.’ આ શું કહે છે ? કલ ન હોગા કલ કા થા જો દબદબા.’ સાચી વાત છે ? કાલે આવું જ બનશે ? કવાલી ગાનારા આવી કાળવાણી કાં બોલે ?

રિખવ શેઠ બેચેની અનુભવી રહ્યા. આજ દિવસ સુધી એમણે જિંદગીને એક મોજ રૂપે જીવી જાણી હતી. પોતે અત્યંત લાગણી પ્રધાન હોવાથી આવતી કાલનો કશો વિચાર કરવો એ એમના સ્વભાવની વિરુદ્ધ હતું. ‘આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે ?’ એ રિખવ શેઠની જીવનફિલસુફી હતી. એ જીવનફિલસુફીના શાંત પાણીમાં આ ગીતની લીટીઓએ આવી કાંકરા ફેંક્યા હતા અને વમળો ઊભાં કર્યાં હતાં.