આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




[૧]
સાકર વહેંચો !

ખોટાં, ત્રાજવા છાપ કાવડિયાં, ઘસાઈ ગયેલા લીસા ઢબ્બુઓ અને નીકલની ચોરસી બે આનીઓ વગેરેને લોઢાની ચૂંક વડે ઠબકારેલ તોતિંગ ઉંબરાને ત્રણ વખત પગે લાગી, સિક્કાસ્પર્શ પામેલાં આંગળાને આંખે અને માથે અડાડીને આભાશાએ પેઢીમાં પગ મૂક્યો. મોટા મુનીમ ચતરભજથી માંડીને દુકાનમાં સવારસાંજ સંજવારી કાઢનાર ધમલા સુધીના વાણોતરો સાબદા થઈ ગયા, સદાય પ્રફુલ્લિત રહેતા આભાશાના મોં તરફ સૌએ આંખો ઠેરવી તો ત્યાં એક જાતની મીઠી વ્યગ્રતા જોવામાં આવી. ઉધારવહીમાંથી ખાતાવાહીમાં ખતવણી કરનારાઓએ પણ કલમને માથામાં લૂછીને ઘડી વાર આભાશાના ચહેરા તરફ જોયા કર્યું અને પોતાની સીધીસાદી સમજની સહાયથી ઘટાવ્યું કે આજે કોઈ ભારે મોટી રકમની હૂંડી સ્વીકારવાની આવી લાગે છે.

આકોલિયા રૂના પોલથી ભરેલી ધોળી બાસ્તા જેવી ધડકીઓ ઉપર ચડતાં પહેલાં આભાશાએ તિજોરીવાળા કબાટ ઉપર ટિંગાતી ગૌતમસ્વામીની છબી તરફ નજર કરી લીધી અને દૂર ઊભે ઊભે જ બન્ને હાથ દાઢી સુધી ઊંચા કરીને વંદના કરી.

ધોળી ચામડીવાળો સિંહ આડો થઈને સૂતો હોય એવા દેખાતા લાંબા મખુદાને અઢેલીને આભાશા ગાદી ઉપર બેઠા. રાબેતા મુજબ ધમલો આવીને પડખે ઊભો રહ્યો એટલે તેમણે માથેથી જાણે કે ચોંટી ગયેલી આંટિયાળી પાઘડીને આંટા ઉખેડી અને