આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગરનાળાને ત્રિભેટે
૧૩૭
 

 એવું અંધારું પથરાઈને પડ્યું છે. વાતાવરણ પણ ભય પમાડે એવું છે. કાળા માથાના માણસનો ક્યાંય સંચાર સંભળાતો નથી. ફક્ત મારગની બન્ને બાજુએ જામેલી બાવળની ઘટાટોપ કાંટ્યમાં ઊંડે ઊંડે બેસી રહેલાં તમરાનાં તમ તમ તમ અવાજો, ક્યાંક ક્યાંક પાણીના ખાબોચિયામાંથી આવતા દેડકાંના ડ્રાંઉં ડ્રાંઉં બરાડા વાતાવરણની ભયાનકતા વધારી રહ્યા છે.

ઘોર અંધારામાં વોંકળાના ત્રિભેટા પાસે પહોંચતાં રિખવ શેઠે કાળી ચીસ પાડી. દલુ અને ઓધિયો આભા બની ગયા અને શેઠને કાંઈ જીવજનાવર કરડ્યું કે શું એની તપાસ કરવા પગ તરફ નજર કરી. પણ ત્યાં તો રિખવ શેઠે એવી જ બીજી તીણી ચીસ પાડી, અને શાંત નીરવ વાતાવરણમાં કોઈ અચ્છી રવાલ ચાલના ઘોડાના ડાબલા ગાજી ઊઠ્યા.

રિખવ શેઠની પહેલી ચીસ, એમના કાળજામાં ભાલા જેવી અણીયાળી છરી ભોંકાતી વેળાની હતી. અને બીજી ચીસ, છરી બહાર ખેંચાઇ આવી એ વખતની હતી.

શું બની ગયું એ સમજવાની પણ કોઈને તક મળી શકી નહિ. રિખવ શેઠ લથડિયું ખાતાં દલુની કોટે બાઝી પડ્યા ત્યારે છાતીમાંથી દડદડ વહેતા લોહીના દરોડાએ દલુને ભીંજવી મૂક્યો. ઓધિયો એને ટેકો દેવા ગયો તો એ પણ લોહીથી નાહી રહ્યો.

ભાઈબંધો બનાવને પામી ગયા, કોઈ જાણભેદુ દુશ્મન લાગ ગોતીને ઘા કરી ગયો હતો. છરી ભોંકનારો જણ ઘોડા ઉપર તબડાક તબડાક કરતો દૂર નીકળી ગયો હતો. બન્ને પક્ષ વચ્ચે આઘાં પડી ગયાં હોવા છતાં હિમ્મતબાજ ભાઈબંધો ધારે તો ભાગેડુને પાતાળ ફોડીનેય પકડી પાડે એવા અટંકી હતા. પણ અત્યારે એમની ફરજ દુશ્મન પાછળ રઝળવા જવાની નહિ પણ રિખવ શેઠને આશાએશ પહોંચાડવાની હતી.

દલુને રિખવ શેઠના રખેવાળ તરીકે મૂકીને ઓધિયો ઝડપભેર