આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
વ્યાજનો વારસ
 


અને આનંદોલ્લાસ જોઈને હીરવિજયસૂરી જેવાઓને અકબરના નવરત્ન દરબારમાં ગુજરાત વિશે ‘શ્રોયેવ રન્તું પુરૂષોત્તમેન જગત્કૃતાઙ્‌કારી વિલાસવેશ્મ’, એવું કહેવાનું મન થઈ આવે એ જ ઘર આજે શ્રી કે પુરુષોત્તમોને બદલે રાતદિવસ કલહ અને કંકાસનું જ ધામ બની ગયું. હજી કાલે જે આવાસોમાંથી સુમધુર સતારઝંકાર ઊઠતા ત્યાંથી હવે રૂદન સ્વરો જ સંભળાતા. અને નરઘાંની થાપીઓનું સ્થાન જાણે કે ડૂસકાંએ લીધું હતું.

જીવનની આટલી બધી વિષમતાઓની વચ્ચે સદ્‌ભાગ્યે એક સુલેખા પોતાની આધ્યાત્મિકતાના બળ વડે જીવનનો ઉલ્લાસ, કુટુંબનાં અન્ય માટીપગાંઓથી જુદી રહીને જાળવી શકી હતી. નાની અને નવી સાસુ નંદનના આગમન પછી સુલેખાએ લાખિયારના ખાલસા થયેલ મકાનમાં જ રહેવાનું મુનાસિબ ગણ્યું હતું. આ ઝૂંપડા જેવી નાનકડી મઢૂલીને પણ સુલેખાએ પોતાના ગરવા વ્યક્તિત્વના પ્રભાવથી મહેલ સમી બનાવી લીધી હતી. ત્યાં પોતે સંગીત અને ચિત્રકળાની સહાય વડે પોતાનું એકાકી અને વૈધવ્ય જીવન વ્યતીત કરી રહી હતી. ત્યાં કુટુંબના સંગીત શિક્ષક શાસ્ત્રી માધવાનંદજીને જવાની આભાશાએ છૂટ આપી હોવાથી સુલેખા પોતાની કલાસાધના વડે એકાકી જીવનની અસહ્યતાને સહ્ય બનાવી ૨હી હતી. એક સામાન્ય દેણદાર અને દેવાળિયા ગણાયેલ સંધીનું ખડખડ–પાંચમ ખોરડું, જીવનની એક કલાધરીનું તપોવન બની રહ્યું હતું.

આ તપોવનમાં વાસ કર્યા પછી સુલેખાએ ફરી, ‘સુરૂપકુમાર’નું ચિત્ર હાથ લીધું હતું. આ વખતે તો નિવૃત્ત જીવનની ફુરસદને કારણે ચિત્રમાં ઠીકઠીક પ્રગતિ સાધી શકાઈ હતી, છતાં હજી એ સંપૂર્ણ નહોતુ બની શક્યું – નહોતુ બની શકતું, પ્રકૃતિના બાળની રેખાઓ હજી કેમે કરીને સરખી બેસતી જ નહોતી. પછીતની બારીએ ઊભી ઊભી સુલેખા ઘણી વખત પછવાડેની શેરીમાં