આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
વ્યાજનો વારસ
 

 જોઈએ એવું નથી જડતું, એટલે એ લાચાર થઈને બેઠો રિયો છે.… એકલે હાથે તાળી થોડી પડે છે ?’

‘એલા તને પડખું નથી એમ ખોટું શા માટે બોલે છે ?’ અમરતે મર્મમાં પૂછ્યું.

‘એ તો હતું તે દી હતું. હવે નહિ.’ ચતરભજે હસતાં હસતાં કહ્યું.

‘ખોટું બોલ મા. હજીય હું તારી પડખે જ છું. હું તારી પડખે ન હોત તો તો મોટાભાઈએ કે’દાડાનું તને પાણીચું પરખાવી દીધું હોત એ ખબર છે ? વ્યાજવટાવમાં તારી રાડ્ય ઓછી નથી. રોજ ઘેરોએક ઘરાક મોટાભાઈ પાસે તારા નામનાં છાજિયાં લેતાં આવે છે. પણ મારે લીધે તું ટકી રિયો છો !’

‘એ હું ક્યાં નથી જાણતો ?’ ચતરભજે ઓશિયાળે ભાવે કહ્યું.

‘જાણે છે તો પછી આટલો બધો નગૂણો કાં થા ?’

‘હું તો તમારી સેવામાં જ છું. તમારું ચીંધ્યું એકેય કામ ન કર્યું હોય તો કહો, આભાશાના મારા ઉપરના ઉપકાર તો ભવોભવ યાદ રહેશે.’

‘ઠાલો મારે મોઢેં રૂડું મનવ મા. ઉપકાર યાદ હોય તો તો આ અમરતનો કોક દીય ભાવ પૂછ્યો હોત.’

‘કાંઈ ભૂલ થઈ હોય તો…’

‘હવે ભૂલ ગઈ જાનમમાં’ અમરતે છણકો કરીને કહ્યું : ‘આ તારા દલિયાનું તને જરાય પેટમાં બળે છે ?’

‘મારો દલિયો ?’ ચતરભજે દાઝતાં પૂછી નાખ્યું.

‘હા, હા, હા, એક વાર નહિ પણ સાત વાર તારો દલિયો ! લે, હવે કહેવું છે કાંઈ ?’

‘તમે શું બોલી રહ્યાં છો એ જાણો છો ? દલુને તમે…’

‘હા, હા. હું જાણું છું — બધુંય જાણું છું. ને તું પણ ક્યાં